ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
ટીઆરપી અગ્નિકાંડની ઘટના પછી સિવિલ હોસ્પિટલ પોલીસ કિલ્લો બની ગઈ હતી. ઘટના સ્થળે પણ પોલીસ પહેરો સતત રહ્યો. પોલીસની નાગરિકો અને મીડિયા સાથે રકઝક પણ થઈ હતી. હોસ્પિટલમાં ઠેકઠેકાણે બેરીકેટ મૂકી દેવાયા હતા. પીએમ રૂૂમ નજીક જવા માટે અધિકારીની પરમિશન લેવી પડે તેવી સ્થિતિ ઉભી કરાઈ હતી. આ તરફ પીએમ રૂૂમ ખાતે બંદોબસ્ત વ્યવસ્થા અને મૃતદેહ અંગેની જવાબદારી એસપી જયપાલસિંહ રાઠોડને સોંપાઈ હતી. રેન્જ આઈજી અશોકકુમાર યાદવે કામગીરીની નિરીક્ષણ કર્યું હતું. ઘટના બની ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈ સહિતના અધિકારીઓ, ક્રાઈમ બ્રાંચ, એસઓજી પીઆઈ અને તેમની ટીમો. સંબંધિત એસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ટીઆરપી ગેમ ઝોન રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવે છે. જેથી તાલુકા પોલીસ ઉપરાંતના અન્ય પોલીસ મથકનો સ્ટાફ પણ અહીં બંદોબસ્ત માટે ગોઠવી દેવાયો હતો. ઘટના બાદ કાટમાળ દૂર થઈ જતા આ જગ્યાએ હથિયાર બંધ એસઆરપી જવાનો ગોઠવાયા હતા.
- Advertisement -
શનિવારની રાત્રે પોલીસે ઘટના સ્થળે લોકોની ભીડ ખદેડવા, મિસિંગ લોકોની યાદી તૈયાર કરવા, મૃતદેહો પીએમ અર્થે ખસેડવા, ગુનો નોંધવા, આરોપીઓને પકડવા, હોસ્પિટલમાં જોવા માટે ભેગા થતા લોકોને ખદેડવા, ડીએનએ ટેસ્ટ માટે કાગળો તૈયાર કરવા, ઘટના સ્થળે આવતા વીઆઇપી અને ઉચ્ચ અધિકારીઓને સુરક્ષા પુરી પાડવા, રવિવારે હોસ્પિટલમાં બંદોબસ્ત ઉપરાંત ડીએનએ મેચ થયા હોય તેવા મૃતકના પરિવારને હોસ્પિટલે બોલાવવા, તેમને બોડી સોંપતા પહેલા જરૂૂરી કાગળ કાર્યવાહી કરવા સહિતની કામગીરી કરી હતી.
અધિકારીઓ સામે હાય… હાય… ના નારા લાગ્યા
ટીઆરપી ગેમ ઝોનની મંજૂરીને લઈ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જ રાજકોટના ઉચ્ચ અધિકારીઓ ગેમ ઝોનમાં અગાઉ ગયા હતા તેના ફોટો વાઈરલ થયા છે. જેને લઈ લોકોનો રોષ વધ્યો છે. એવાં શનિવારે રાત્રે સિવિલ હોસ્પિટલના પીએમ રૂૂમ પાસે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પોલીસે ભીડને હટાવવા પ્રયાસ કર્યા હતા ત્યાં જ જ્યાં અધિકારીઓ સામે હાય… હાય…ના નારા લાગ્યા હતા.



