ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનામાં આઠ આરોપીઓએ જામીન પર છુટવા કોર્ટમાં અરજી કરતા સોમવારે મોરબી કોર્ટમાં આ જામીન અરજીનું હિયરીગ કરવામાં આવ્યું હતું. કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને આ કેસની સુનાવણી આવતીકાલે 23મીએ જાહેર કરવાનું ઠેરવ્યું હતું.
સુનાવણી દરમિયાન કોર્ટમાં પોલીસ તરફે સરકારી વકીલ વિજય જાની તેમજ આરોપી તરફથી તેમના વકિલ દ્વારા દલીલ કરવામાં આવી હતી જેમાં સરકારી વકીલ વિજય જાની દ્વારા આરોપીની જામીન અરજી પર વાંધો ઉઠાવાયો હતો અને દલીલમાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. આ કેસ અત્યંત ગંભીર હોય પોલીસ આ કેસમાં ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે અને કેસમાં હજુ મહત્વના પુરાવાઓ પણ એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જો આરોપીઓને જામીન મળશે તો તપાસમાં તેની અસર પડશે જેથી તેમની અરજી નામંજૂર કરવામાં આવે તો બીજી તરફ બચાવ પક્ષના વકીલ દ્વારા પણ તેમના અસીલની જામીન અરજી મંજૂર કરવા માટે જરૂરી તથ્યો રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષની દલીલ બાદ મેજિસ્ટ્રેટ દ્વારા જામીન અરજી પર સુનાવણીની આગામી તારીખ 23 મુકરર કરી હતી અને હવે 23મીએ એટલે કે આવતીકાલે આ અંગે મેજિસ્ટ્રેટ તેમનો નિર્ણય સંભળાવશે.