રાજ્યમાં વેક્સિન ન હોવાનો આરોગ્ય મંત્રીનો સ્વીકાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં એક તરફ કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામેની મોકડ્રીલની સાથે રાજ્યમાં વેક્સિન અંગે આરોગ્ય મંત્રીએ મોટો ખુલાસો કર્યો છે. રાજ્યમાં વેક્સિનની અછતને લઈને આરોગ્ય મંત્રીએ પહેલી વખત સ્વીકાર કર્યો કે, રાજ્યમાં વેક્સિનની અછત છે. જેના માટે સરકાર જરૂરી પગલાં ભરી રહી છે. રાજ્યમાં આજથી કોરોના સામેની લડત માટે મોકડ્રીલ દ્વારા તમામ તપાસો કરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્ય મંત્રીએ અમદાવાદમાં જણાવ્યું કે, રાજ્યમાં વેક્સિનની છેલ્લા થોડાં સમયથી અછત જોવા મળી રહી છે. અને તેના માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે સહાય માગી છે. કોરોના સામે લડવા માટે વેક્સિનેશન પર ભાર મુકાશે.
રાજ્ય સરકારે આજથી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બે દિવસ મોકડ્રીલ યોજવામાં આવશે, ઓક્સિજન ટેન્ક ઊભી કરાઈ હતી તે યોગ્ય રીતે કાર્ય કરે છે કેમ, દર્દીઓનો ધસારો વધે તેવી સ્થિતિમાં હોસ્પિટલો પહોંચી વળવા સજ્જ છે કે કેમ તે સહિતની બાબતોને લઈ મોકડ્રીલ કરાશે. મહત્ત્વનું છે કે, અત્યારે કોરોનાના એક્સબીબી 1.16 સ્વરૂપના કેસ વધુ પડતાં સામે આવ્યા છે, સારી બાબત એ છે કે, આ વેરિએન્ટની ઘાતકતા ઓછી છે, જેમાં મૃત્યુઆંક નહિવત છે, એકંદરે લોકોએ ગભરાવવાની નહિ પરંતુ સજાગ રહેવાની રાજ્યના આરોગ્ય વિભાગે અપીલ કરી છે. સાથે જ કો-મોર્બિડ, સિનિયર સિટીઝન અને કિડની, કેન્સર જેવી ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝ બીમારી ધરાવતા દર્દીઓએ આ સંક્રમણથી તકેદારી અને સાવચેતી રાખવાની જરૂર છે. વૃદ્ધ વ્યક્તિ અને દર્દીઓએ જાહેર ભીડભાડવાળી જગ્યાએ ન જવા અને માસ્ક પહેરવા, ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો, વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરના ઉપયોગનો આગ્રહ રાખવો જોઈએ. રાજ્ય સરકારના દાવા પ્રમાણે ગુજરાતમાં ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટના આધારે સારવાર વ્યવસ્થા ગોઠવાઈ છે.