કાફેમાં માટીનાં વાસણમાં ભોજન મળશે: ઓર્ગેનિક ફૂડ આરોગવા મળશે
કાફેમાં પ્લાસ્ટિકનો કચરો જમા કરવા પર શરબત અને નાસ્તો આપવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે જૂનાગઢનાં પ્રવાસે આવ્યાં હતાં. આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલે આઝાદ ચોકમાં આવેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો શુભારંભ કરાવ્યો હતો. અહીં ઓર્ગેનિક ફૂડ આરોગવા મળશે અને તે પણ માટીના વાસણમાં પીરસવામાં આવશે. આ કાફેની વિશેષતા એ પણ છે કે, કાફેમાં પ્લાસ્ટિક સ્વિકારવામાં આવે છે. પ્લાસ્ટિકનાં પ્રમાણમાં નાસ્તો અને શરબત આપવામાં આવશે. 500 ગ્રામ પ્લાસ્ટિકમાં શરબત અને 1 કિલો પ્લાસ્ટિકમાં એક પ્લેટ પૌઆ કે ઢોકળા આપવાં આવશે. આઝાદ ચોકમાં પ્રાકૃતિ પ્લાસ્ટિક કાફેનાં ઉદ્ધાટન બાદ રાજયપાલ કલેકટર કચેરી પહોંચ્યાં હતાં. અહીં હ્યુમન લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. બાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ વર્કશોપમાં હાજર રહ્યાં હતાં.
પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન યુનિક અને આકર્ષક તો છે જ. સાથે જ અહીં આવનારને પ્રકૃતિથી નજીક આવ્યાનો એક નવો અહેસાસ પણ થશે. અહીં તમને ઓર્ગેનિક ફૂડ આરોગવા મળશે અને ફૂડ માટીના વાસણોમાં પીરસવામાં આવશે. આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની વિશેષતા જણાવતા પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા કહ્યું હતું કે, કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ આ કાફેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને લોકોનું પ્રકૃતિ સાથે અનુસંધાન કેળવાય તેની કાળજી લેવામાં આવી છે. સાથે લોકોમાં પ્રકૃતિ પ્રેમ વિકસે અને પ્લાસ્ટિકનો વપરાશ નહીંવત પ્રમાણમાં કરવા પ્રેરાય તેને ધ્યાનમાં રાખીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની છતને આકર્ષક બનાવવા માટે તેમાં વાંસની સુંડલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉપરાંત કાફેની દીવાલો પર પણ આકર્ષક પેઇન્ટિંગ અને ફૂલઝાડને કંડારવામાં આવ્યા છે. આ કાફેની ડિઝાઇન વખતે તેમાં ઓછામાં ઓછી કોસ્ટમાં વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વુડન બેઈઝડ ફર્નિચર તૈયાર કરવામાં આવ્યું છે.અહીં આવતા લોકોને ભોજનમાં એક નવો અહેસાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.
- Advertisement -
વર્ષ 2020માં દાહોદમાં પ્લાસ્ટિક કાફે શરૂ થયું હતું
જૂનાગઢમાં પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ થયો છે. પરંતુ ખાસ ખબર દ્વારા તપાસ કરતા 7 ફેબ્રઆરી 2020માં દાહોદમાં પ્લાસ્ટિક કાફે શરૂ થયું હતું. દાહોદનાં કાફેનું ઉદ્ધાટન જૂનાગઢનાં વર્તમાન કલેકટર અને દાહોદનાં તત્કાલીન ડીડીઓ રચિત રાજે જ કહ્યું હતું. હાલ દાહોદમાં આ કાફે બંધ થયાનું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લાને પ્લાસ્ટિક મુકત કરવા માટે એક પહેલનાં ભાગરૂપે પ્લાસ્ટિક કાફે શરૂ થયું હતું. દાહોદનાં પ્લાસ્ટિક કાફેમાં 500 ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવે તો એક કપ ચા અને કોફી અને એક કિલો પ્લાસ્ટિક જમા કરાવે તો એક પ્લેટ મેથીનાં ગોટા અથવા પૌઆ, દાબેલી, કચોરી, સમોસા પણ મંગાવી શકતા હતાં. જૂનાગઢ અને દાહોદનાં પ્લાસ્ટિક કાફેમાં તફાવત જોઇએ તો પ્રાકૃતિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. જૂનાગઢનાં કાફેમાં તમામ વાસણ માટીનાં રાખવામાં આવ્યાં છે. જૂનાગઢમાં 500 ગ્રામ પ્લાસ્ટિકનાં બદલામાં શરબત અને 1 કિલો પ્લાસ્ટિકનાં બદલામાં એક પ્લેટ ઢોકળા કે પૌઆ આપવામાં આવશે. જૂનાગઢમાં બનાવવામાં આવેલા કાફેની સમય અનુસાર ડીઝાઇન બનાવવામાં આવી છે. જૂનાગઢમાં બનેલું કાફે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે છે. જૂનાગઢનાં કાફેમાં ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ થશે.