22મીએ રેસકોર્સમાં 7 સહકારી સંસ્થાની સામાન્ય સભા, અમિત શાહ હાજરી આપશે
નવા મંત્રી મંડળમાં જયેશ રાદડિયાને મંત્રી પદ મળે તેવી પ્રબળ શક્યતા
સ્વ. વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દર વખતે જામકંડોરણામાં યોજાતી આરડીસી બેંકની સામાન્ય સભા આ વર્ષે રાજકોટમાં યોજાશે ત્યારે રાજકીય નવા જૂનીના એંધાણ વર્તયા રહ્યા છે. આ ઉપરાંત નવા મંત્રી મંડળમાં જયેશ રાદડિયાને મંત્રી પદ મળે તેવી પ્રબળ શક્યતા છે.
રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આગામી 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાવવા જઇ રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે અને ઉપસ્થિત હજારો સભાસદોને સંબોધન કરશે. આ ઉપરાંત સ્વ. વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. રાજ્યમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને હજારો કરોડનું પાક ધીરાણ મળ્યું છે. જયારે દૂધ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે અને રોજ 200 લાખ લિટરથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે અને 36 લાખ પશુપાલકોને રૂપિયા 140 કરોડથી વધુ ચુકવણી થાય છે. રાજ્યમાં દૂધ ઉત્પાદક મંડળીઓના 36 લાખ સભાસદોમાં 12 લાખ સભાસદો મહિલાઓ છે. આમ રાજ્યમાં કુલ 83 હજારથી વધુ સહકારી મંડળીઓમાં 2 કરોડ 31 લાખ સભાસદો જોડાયેલા છે.
રાજકોટના સ્વ. અરવિંદભાઈ મણિયાર તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાનું સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં મોટું યોગદાન છે. સહકારી સોસાયટીઓને દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે. રાજ્ય કે દેશમાં સ્થાનિક સ્તરે સહકારી મંડળી-બેન્કની ભૂમિકા ખૂબ મોટી છે. નાના માણસોની મોટી બેન્ક કહેવાતી સહકારી બેન્કો નાગરિકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે. આજે રાજ્યમાં સેવા સહકારી મંડળી, ક્રેડિટ મંડળી, મત્સ્ય મંડળી, સખી મંડળ વગેરે દ્વારા અનેક ખેડૂતો, શ્રમિકો સહિતના લોકો આર્થિક રીતે સમૃદ્ધ થયા છે. રાજકોટ જિલ્લા સહકારી બેન્ક તથા રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ખેડૂત તથા પશુપાલકો માટેની વિવિધ કલ્યાણકારી કામગીરીઓથી રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારના ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે. આ સંસ્થાઓ આજે જનતામાં વિકાસનું પ્રતિક બનીને
ઊભરી છે.
રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓ
રાજકોટ ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંક લી.
રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી
રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી
રાજકોટ જિલ્લા સહકારી સંઘ,
રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન લી.
રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રા. લી.
રાજકોટ ડિસ્ટ્રીકટ કો.-ઓપ. બેંક લી. કર્મચારી મંડળી



