રેલવે તંત્રના ફાટક મેનની ઘોર બેદરકારી, ખુલી ફાટકે પસાર થતી ટ્રેનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ: પી.ડી. માલવિયા ફાટકે જાગૃત નાગરિક રજાક શેખની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટના પી. ડી. માલવિયા ફાટક પાસે રેલવે ફાટક ખુલી રહી ગઈ અને ટ્રેન પસાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈ રેલ તંત્ર અને તેના કર્મચારીની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે, જોકે ત્યાં હાજર રહેલા જાગૃત નાગરિકની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે તંત્ર અને તેના ફાટક મેનની ઘોર બેદરકારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ આખીયે ઘટનાનું ફેસબૂક લાઈવ પણ કરવામાં આવ્યું હતું!
- Advertisement -
બનાવની વિગત અનુસાર ગત મંગળવાર રાત્રે 2:30 વાગ્યા આસપાસ પી. ડી. માલવીયા ફાટક પાસે અચાનક જ ટ્રેનનો અવાજ રજાક શેખ નામના જાગૃત નાગરિકને આવ્યો હતો. ટ્રેન ફાટક નજીક આવી રહેલી હોવા છતાં ફાટક બંધ કરવામાં ન હતું, તેથી રજાક શેખે ફાટક પરથી અવરજવર કરતા લોકોને રોકી દીધા હતા. આમ મોટી દુર્ઘટના સ્હેજમાં
ટળી હતી.
રજાક શેખે ફાટક મેન દ્વારા ફાટક કેમ બંધ કરવામાં ન આવ્યું તેની તપાસ કરવા ગયા તો રેલવે ક્રોસિંગની ઓફિસમાં રેલવે કર્મચારી હાજર ન મળ્યા. એ જ સમયે રેલવે ક્રોસિંગ પર ટ્રેનને સિગ્નલ ન મળતા ટ્રેન ધીમી પડી ગઈ હતી અને અચાનક રેલવે ક્રોસિંગ પર ફાટક મેન હાજર થઈ ગયેલા અને તેણે ફાટક બંધ કરીને ટ્રેનને ગ્રીન ટોચથી સિગ્નલ આપ્યું હતું.
શહેરના પી. ડી. માલવીયા ફાટક પાસે બનેલી આ ઘટનામાં રેલવે તંત્ર દ્વારા હજુ સુધી જવાબદાર કર્મચારી પર કોઈ પગલાં લેવાયા હોવાની જાણ નથી. અલબત્ત આ ઘટના નજરઅંદાજ કરવા જેવી નથી કેમ કે, જો જાગૃત નાગરિક દ્વારા સતર્કતા દાખવવા ન આવી હોત તો ફાટક પરથી પસાર થતા લોકો ટ્રેનની હડફેટે આવી જતા અને મોટી દુર્ઘટના સર્જાઈ હોતી. પી. ડિ. માલવીયા ફાટકે બનેલી આ ઘટના મામલે રેલવે તંત્રએ કડક પગલાં ભરવા જરૂરી છે.
ટેલિફોનની રિંગ ન વાગી એટલે ફાટક બંધ ન કરી : ફાટક મેન
- Advertisement -
રાજકોટના પી. ડી. માલવિયા પાસે આવેલા રેલવે ક્રોસિંગ પર મંગળવાર રાત્રે 2:30 વાગ્યા આસપાસ ફાટક ખુલી રહી ગઈ અને જે ટ્રેન પસાર થઈ ગઈ તે ટ્રેન ઓખા-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન હતી, અહીં ફરજ બજાવતા ફાટક મેનનું નામ હરેશ દવે હતું. હરેશ દવેએ એવું જણાવેલું કે, ટ્રેન નંબર 19252 ફાટક પર આવી રહી છે તેવી ટેલિફોનની રિંગ ન વાગી હોવાથી ફાટક બંધ કરેલી નહતી.