દિવાળી તહેવારોમાં સૂર્યાસ્ત બાદ રોપ-વે શરૂ રાખી શરતનો ભંગ કર્યાની નોટીસ બાદ આખરે ગુનો દાખલ : તપાસનો ધમધમાટ
જુનાગઢ ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની સામે લાંબા સમય બાદ અંતે શરત ભંગનો ગુન્હો દાખલ થવા પામ્યો છે. અભ્યારણ્યમાં આવેલ એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વેના સંચાલકોએ દિવાળીના તહેવારની રજામાં સૂર્યાસ્ત બાદ પણ રોપ-વે ચલાવાયો હતો જેની બૂમ ઉઠતા વન વિભાગે બબ્બે નોટીસ પાઠવી હતી અંતે રોપ-વે કંપની સામે વગર મંજૂરીએ સૂર્યાસ્ત બાદ રોપ-વે ચાલુ રખાતા ગુન્હો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
દિવાળીના તહેવારોમાં નાણા કમાવી લેવાની લાલચમાં ઉડન ખટોલા ઉષા બ્રેકો કંપનીના સંચાલકોએ સૂર્યાસ્ત બાદ પણ મોડી રાત સુધી રોપ-વે ચાલુ રખાતા આ જોખમી તેમજ ગંભીર બાબત હોવા છતાં વન વિભાગે નોટીસ પાઠવીને સંતોષ માની લીધો હતો. એક નોટીસનો જવાબ ન આપતા બીજી નોટીસ મોકલી હતી જેની ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવતા વન વિભાગની બે નોટીસ બાદ પ્રથમ ગુના અહેવાલ (એફઆઇઆર) દાખલ કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના ફૂટેજ મેળવી વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ મંજૂરી વગર રોપ-વે ચલાવવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કંપનીને આપવામાં આવેલી શરતોનો ભંગ થઇ રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે છતાં પણ શરતભંગની કલમનો હજુ ઉમેરો કરવામાં આવ્યો નથી.