ઇન્ડિગોના સ્ટાફે શ્રીરામ, સીતા, લક્ષ્મણના વેશમાં ‘જય શ્રીરામ’ના નાદ સાથે એરપોર્ટ ગુંજવ્યું, પૂર્ણેશ મોદી પણ સામેલ
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ પૂર્વે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટ આજથી શરૂ કરવામાં આવી છે. જે 2 કલાક 10 મિનિટ જેટલો સમય લઈને અમદાવાદથી અયોધ્યા પહોંચશે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં ‘જય જય શ્રીરામ’ નાદ સાથે એરપોર્ટ ગુંજવી મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું. પહેલી ફલાઇટમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત 148 મુસાફરો અયોધ્યા પહોંચશે.
આજે વહેલી સવારથી જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર ભક્તિનો માહોલ જામ્યો છે. એરપોર્ટની અંદર ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવી રહ્યા છે. 148 પેસેન્જર સાથે અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ અયોધ્યા પહોંચી રહી છે. આ ફ્લાઇટમાં સાધુ-સંતો ઉપરાંત રામ ભક્તો અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ અયોધ્યા સુધીની મુસાફરી કરી રહ્યા છે. સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, જય શ્રીરામ… આજ અમદાવાદથી પહેલી ફ્લાઇટ અયોધ્યા પ્રસ્થાન કરી રહી છે. ભારત સરકાર અને મોદીજીને ખૂબ જ ધન્યવાદ કે તેઓએ અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટ અમદાવાદથી શરૂ કરી છે. બીજી વાત 550 વર્ષના સંઘર્ષ બાદ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિરનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે. આ પહેલા 14 જાન્યુઆરીએ મકરસંક્રાતિના દિવસે પરમ પૂજ્ય રામભદ્રાચાર્ય મહારાજ પણ 1008 હનુમાન મહાયજ્ઞ શરૂ કરશે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતભરમાંથી અને ખાસ કરીને સુરતથી મોટી સંખ્યામાં લોકો આજે અયોધ્યા પ્રસ્થાન કરી રહ્યા છે.