રાજકોટ સહિત ત્રણ જિલ્લાના ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે, બાજુમાં આવેલું ગેસ સિલિન્ડરનું ગોડાઉન તાબડતોબ ખાલી કરાવાયું
ફેક્ટરીમાં પડેલા જૂનાં ટાયરના જથ્થામાં આગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના પડધરી પાસે ઉકરડા – નેકનામ રોડ પર આવેલ 6 વીઘામાં ફેલાયેલી સહારા યુનાઈટ પ્લાસ્ટિક કંપનીમાં વિકરાળ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ જુના ટાયરમાં પ્રોસેસ કરી નવા ટાયર બનાવતી વખતે મશીનમાં સ્પાર્ક થવાથી લાગેલ આગ 12 કલાક કરતા વધુ સમય થવા છતાં કાબુમાં આવી નથી અને હજુ સાંજ સુધી આગ પર કાબુ મેળવવામાં લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે. આગ પર કાબુ મેળવવા માટે ગઈકાલ રાતથી રાજકોટ, મોરબી, જામનગર, ધ્રોલ, ટંકારા અને ગોંડલ ખાતેથી ફાયર ફાઇટરો બોલાવી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જે ફેક્ટરીમાં આગ લાગી છે તેની બાજુમાં જ ગેસસિલિન્ડરનું ગોડાઉન આવેલું છે જેથી આગ ત્યાં સુધી પ્રસરે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી જેથી તાબડતોડ ગોડાઉનમાં રહેલા તમામ સિલિન્ડર ત્યાંથી દૂર કરી દેવાયા હતા.
રાત્રીના સમયે આગ લાગી હોવાની જાણ થતાની સાથે જ તાત્કાલિક ફાયર વિભાગની સાથે સાથે પોલીસ અધિકારીઓ, પડધરી પોલીસ સ્ટાફ, રાજકોટ ગ્રામ્ય એસઓજી, એલસીબીનો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો. પડધરી પાસે ઉકરડા જતા રોડ પર સહારા યુનાઈટ પ્લાસ્ટિક નામનું કારખાનું આવેલું છે તેમાં મોડી રાત્રીના ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. પોલીસની સાથે સાથે પીજીવીસીએલ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વીજ પુરવઠો બંધ કરી વધુ કોઈ જાનહાનિ ન થાય અને આગ વધુ પ્રસરે નહિ તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કારખાનામાં જુના ટાયરની પ્રોસેસ કરી નવા ટાયર બનાવવામાં આવતા હતા તેમજ જુના ટાયરનો ભૂકો એટલે કે ભુસુ પણ પડેલ હતું. આગ લગતા સાથે અચાનક ભુસા સુધી પહોંચતા એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળતા હતા. આગ આગળ ન વધે તે માટે ફાયર વિભાગે તુરંત પાણીનો છંટકાવ શરૂ કરી આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી છે. જોકે 12 કલાક કરતા વધુ સમય થવા છતાં હજુ પણ આગ બુજાવવાની કામગીરી ચાલુ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે જે કંપનીમાં આગ લાગી તેની બાજુમાં જ ગેસ સિલિન્ડરનું ગોડાઉન આવેલું છે. આગ પ્રસરતી જતી હતી જેથી પોલીસ અને ફાયર સ્ટાફે તુરંત ગોડાઉનમાં રહેલા ગેસના બાટલા બહાર કાઢી ગોડાઉન ખાલી કરાવ્યું હતું. તેમજ જે કારખાનામાં આગ લાગી ત્યાં જુના ટાયરની ભૂકી બનાવી તેમાંથી કામગીરી થતી હતી. આગ લાગી ત્યારે ટાયરનો મોટો જથ્થો હતો જેના કારણે આગ વિકરાળ બની હતી અને ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો સુધી દેખાયા હતા.