રાજકોટ તાલુકા પોલીસ મથકનાં P.I. ગોંડલિયાની ઉદાસીન કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
ઘણા સમયથી પોતાના પદનો દુરુપયોગ કરી વિવાદોમાં સપડાયેલા અને સરકારનો બેઠાં-બેઠાં તગડો પગાર લેતાં તાલુકા પોલીસ મથકના પીઆઇ મેહુલ ગોંડલિયાને કામ પ્રત્યે ઉદાસિનતા દાખવી રહ્યા હોય તેવું ફલિત થઇ રહ્યું છે. કારણકે પોલીસ સ્ટેશનના રાબેતા મુજબ કરવાના આવતા કામો કરવામાં પણ પીઆઇ મેહુલ ગોંડલિયા ઉદાસીનતા દાખવી રહ્યા છે.
- Advertisement -
રાજ્ય સરકારની ઓનલાઇન એપ્લિકેશનમાં દરરોજ ગુનાની નોંધણી કરવાની હોય તેવી એપમાં તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગત 18 તારીખ પછી અપડેટ કરવામાં આવ્યું નથી છેલ્લે 18 તારીખની 1132 નંબરની ફરિયાદ અપલોડ કર્યા પછી પણ પૂર્વ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો તેની સામસામી ફરિયાદ નોંધાઈ હતી. તેમજ ગઈકાલ એટલે કે 19 તારીખે પણ અમુક ગુનાઓ નોંધાયા હશે તે એકપણ ફરિયાદ હજુ અપડેટ કરવામાં આવી નથી. ભરોસાની ભાજપ સરકાર ઉપર લોકોએ ફરી ભરોસો મૂકીને મત આપીને ભાજપની સરકારને સુકાન સોંપ્યું છે. પરંતુ આવા ભ્રષ્ટ અને પ્રજાના પરસેવાનો પગાર લઈ જલસા કરતા પોલીસ અધિકારીઓને લીધે પ્રજાજનોને અવારનવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડી રહ્યા છે અને ન્યાય તો મળવાની વાત જ બહુ દૂર છે.
P.I. મેહુલ ગોંડલિયાને માત્ર હવાલા-કબાડામાં જ રસ
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાને પોતાની ફરજ અદા કરવાની જગ્યાએ માત્ર હવાલા-કબાડા કરવામાં જ રસ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ભૂતકાળમાં પણ અનેક વખત પી.આઈ. ગોંડલિયા પોતાની વિવાદાસ્પદ અને શંકાસ્પદ કામગીરીને કારણે છાપે ચડી ચૂક્યા છે. થોડા સમય પહેલાં જ પી.આઈ. મેહુલ ગોંડલિયાએ દર્પણ બારસિયા નામની એક નિર્દોષ વ્યક્તિને ઉઠાવી બેફામ માર મારી છોડી મૂક્યો હતો. જેની રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી પણ થઈ છે. હવે ક્યારે પી.આઈ. મેહુલ ગોંડલિયાની કાયદાની વિરુદ્ધ જઈ કરવામાં આવેલી અનેક કામગીરીઓ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પગલાં લેવામાં આવશે એ જોવું રહ્યું. પી.આઈ. ગોંડલિયાના ત્રાસમાંથી તાલુકા પોલીસ મથકમાં આવતાં વિસ્તારને ક્યારે છૂટકારો મળશે તેની પર સૌની મીટ મંડાઈ છે.