મતદારયાદી સુધારણાંની કુલ 1,23,253 અરજીઓ આવી રાજકોટ જિલ્લામાં કુલ 27,882 નવા મતદારો ઉમેરાયાં
ખાસ-ખબર સંવાદદાતા
લોકશાહીના પાયાને મજબૂત કરવા માટે ચૂંટણીમાં જનભાગીદારી ઘણી મહત્વની સાબિત થતી હોય છે. જેને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણાં કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા. 21 અને 28 ઓગસ્ટ તેમજ તા. 4, 8 અને 11 સપ્ટેમ્બર આમ કુલ ચાર રવિવારના રોજ મતદાર યાદીમાં સુધારા અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જે અન્વયે ગઈકાલ તા. 11 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ઈસ્ટ, વેસ્ટ, સાઉથ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, જેતપુર, ગોંડલ અને ધોરાજીમાં ચૂંટણી કાર્ડમાં નામ, ફોટા, જન્મ તારીખ, સરનામુ સુધારવાની સાથો સાથ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા સહિતની કુલ 52,568 અરજી આવી હતી. જેમાં રાજકોટ ઈસ્ટમાં 3152, વેસ્ટમાં 4428, સાઉથમાં 4717, રાજકોટ ગ્રામ્યમાં 13518, જસદણમાં 6771, જેતપુરમાં 7666, ગોંડલમાં 4153 અને ધોરાજીમાં 8163 અરજીનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઝુંબેશ હેઠળ રાજકોટ જિલ્લામાં ચૂંટણીમાં મતદાનના મહત્વ અંગે મતદારોમાં સારી એવી જાગૃતત્તા જોવા મળી છે.
- Advertisement -
આ ઝુંબેશને સફળ બનાવતાં અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં પહેલી જ વાર મતદાર યાદીમાં નામ નોંધાવનારાની સંખ્યા કુલ 27,882 જેટલી નોંધાઈ હતી. તે પૈકી વિધાનસભાની બેઠકો ઉપર 18થી 19 વય જૂથના નવા મતદારોની સંખ્યા 120891, 20થી 29 વયજૂથના નવા મતદારોની સંખ્યા 10,250 નોંધાઈ છે. ઉપરાંત ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરાવનારની સંખ્યા 64565 તેમજ ચૂંટણીકાર્ડમાં નામ, ફોટો, જન્મતારીખ કે સરનામું સુધારવાની અરજીઓ 31, 187 જેટલી મેળવવામાં આવી હતી. આ મતદાર યાદી ખાસ સુધારણાં ઝુંબેશ અંતર્ગત વિધાનસભાની બેઠકોમાં તા. 21 ઓગસ્ટના રોજ 9650, તા. 28 ઓગસ્ટના રોજ 24,150, તા.04 સપ્ટેમ્બરના રોજ 36,885 અને તા. 11 સપ્ટેમ્બરના રોજ 52,568 એમ કુલ 1,23,253 વિવિધ અરજીઓ સ્વીકારવામાં આવી છે.