નવનિયુક્ત નાયબ ચૂંટણી કમિશ્નર અજય ભાદુ નેતૃત્વ કરશે
રાજયમાં ચૂંટણી તૈયારીઓની આખરી સમીક્ષા કરશે: તા.22 બાદ ચૂંટણી પંચની પૂર્ણ બેઠક
- Advertisement -
ગુજરાતમાં ધારાસભા ચૂંટણીની જાહેરાત હવે નજીક આવી રહી છે. હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાજયમાં સતાવાર કાર્યક્રમો પણ હવે અંતિમ તબકકામાં છે તે વચ્ચે તા.16ના રોજ ફરી એક વખત ચૂંટણી પંચની ટીમ તા.16થી ગુજરાતની મુલાકાતે આવશે અને તા.21 સુધી ચૂંટણીપંચની ટીમ રાજયના વિવિધ જીલ્લાઓની મુલાકાત લેશે.
આ ટીમ ચૂંટણીપંચના નવા નિયુક્ત નાયબ ચૂંટણી કમિશ્નર શ્રી અજય ભાદુના નેતૃત્વ હેઠળ આવશે તેવા સંકેત છે. ગુજરાત આઈએએસ કેડરના શ્રી ભાદુની હાલમાં જ નાયબ ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્તિ થઈ છે અને તેઓ આગામી દિવસમાં ગુજરાતની ચૂંટણી તૈયારીની સમીક્ષા કરીને આખરી રિપોર્ટ ચૂંટણીપંચને આપશે.
ગુજરાતમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા.10ના રોજ થઈ ગઈ છે અને હવે વડાપ્રધાન શ્રી મોદી તા.19-20 ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તથા તે બાદ ચૂંટણીપંચ ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત કરશે. તા.22ના રોજ અમદાવાદમાં ડિફેન્સ એકસપો ના અંતે એર-શોનું આયોજન છે જે અંતિમ સતાવાર કાર્યક્રમ હશે.
- Advertisement -
શ્રી ભાદુના નેતૃત્વની ટીમ સૌરાષ્ટ્રમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા રાજકોટ આવશે તેવા સંકેત છે અને સૌરાષ્ટ્રના જીલ્લા કલેકટરો તથા પોલીસ અધિકારીઓ ઉપરાંત ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓની કોન્ફરન્સ રહેશે અને તા.24ના દિપાવલી છે અને તે પછી ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.