શબદશૃંગાર / પૂજ્ય બાપુ
મહદ્અંશે પાકા છે, થોડાક જ એમાં કાચા છે, વિશ્વાસ કરોને!
- Advertisement -
વહાલી જિંદગી…
તું બારસાખ પર ઝૂલતું શ્રદ્ધા અને વિશ્વાસનું એ તોરણ છે જે હવાની દરેક લહેરે મને હોવાપણાનો અહેસાસ કરાવી જાય છે. જેમ સાનુકૂળ પવનના આધારે જ નાવિક પોતાની હોડીને સામે પાર લઈ જઈ શકે છે, બિલકુલ એવી જ રીતે તું સતત મારામાં એવો શ્વાસનો પવન પરોવે છે અને એ શ્વાસના બધાં જ ઘટકને હું તોરણ બનાવી મારા હૈયાના બારસાખે ટાંગી દઉં છું. દરેક ક્ષણ તારા નામના સાથીયા રૂપે મારી સામે પ્રગટ થાય પછી હું એ સાથીયા પર અક્ષત મૂકી તારી હાજરીને માણી રહું છું. તારા સ્પર્શની સુંવાળી ટેકરી પર ઊભા રહી જોવાથી સમયની ગતિ અટકી જાય છે. તારી આંખોના અજવાળે ઝળહળ જોવાની ટેવ મને જીવાડી રહી છે.
તારા સમૂળગા અસ્તિત્વથી હું દોમદોમ ભરાયેલો છું. હા, કોઈ વાર ઊઠતા ઝંઝાવાતો મને હલબલાવી જાય છે પરંતુ એ ય જીવનનો જ એક ભાગ છે એવું સમજીને અને તું સતત મારી સાથે છે એવી ધરપતના કારણે ફરીથી સ્થિર થવામાં સહેજ પણ મુશ્કેલી નથી થતી. તારા નામે કરેલું આખું આયખું મારે મન તો સતત તારી ભીતર રહીને ઉત્સવો ઉજવવાના જ રૂપાળા બહાના છે. ક્ષણે ક્ષણે હું તારા પ્રેમનો સાક્ષાત્કાર કરી રહું છું અને ભરપૂર જીવી જાઉં છું. તું મારા પ્રત્યેક શ્વાસના સરવાળાનો મહેકતો બાગ બની જ્યારે મને સ્પર્શે છે ત્યારે જીવનની વસંત બેઠી હોય એવું લાગે છે.
તું મારી ભીતર ના સંતોષાયેલા અને અધૂરા સ્વપ્નોની. અતૃપ્ત તરસની વાવ છે. અંદરનો સળવળાટ થતાં જ હું હળવે હળવે એક એક પગથિયું ઊતરતો જાઉં છું. ત્યાં સહેજ પણ અંધકાર નથી. વાવના દરેક પગથિયે તારી હયાતીના કરોડ કરોડ દિવડાઓ ઝળહળતા જોઉં છું, પછી મારું અસ્તિત્વ વધુ પ્રગટ થઈ જાય છે. સદીઓ પહેલાંની અને ગોઝારી થયેલી એ વાવ તારા હોવાપણાથી જીવંત બનીને મને જીવતો કરી મૂકે છે. હવે ત્યાં હવડ વાસ નથી, અંદર મરીને સડી ગયેલાં પંખીઓના અવશેષ નથી કે ત્યાં કોઈ વિરહીનું હૃદયદ્રાવક ગીત નથી. બસ ત્યાં તો છે દરેક ક્ષણને ઉત્સવમાં ફેરવી નાખતી તારી હાજરીનો અહેસાસ.
સતત તારામાં ઓળઘોળ રહી ધોધમાર જીવતો,
તારો જ…
જીવ…
- Advertisement -
(શીર્ષકપંકિત:- દીપક ઠાકર)