યાજ્ઞિક રોડ પૂર્વવત થતા હજારો વાહનચાલકોને રાહત મળી: 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે નાળું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તહેવારોમાં વધુ ટ્રાફિક થતો હોવાના લીધે રાજકોટના શાન સમા ડો.યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકને ખુલ્લો મુકવામાં આવ્યો છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસ્ટ્રોન નજીક હોમી દસ્તુર માર્ગ પર રેલવે સાથે સંકલન કરીને રૂ. 4 કરોડનાં ખર્ચે નાલું બનાવવામાં આવ્યું હતું.
જો કે, લાંબા સમયથી આ અંડરપાસ સંપૂર્ણ તૈયાર ખોલવામાં આવતું નહોતું. જોકે, હવે ઉદ્ઘાટનનાં કોઈપણ પ્રકારના તાયફાઓ વિના આ નાલું ખુલ્લું મુકવામાં આવ્યું છે તેમજ બે દિવસ પૂર્વે સર્વેશ્વર ચોકનાં નાલામાં બોક્સ કલવર્ટની કામગીરી પણ મોટાભાગે પૂર્ણ થઈ જતા યાજ્ઞિક રોડ અને સર્વેશ્વર ચોક પણ પહેલાની જેમ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેને લઈ હજારો વાહનચાલકોને રાહત મળી છે.
મનપા દ્વારા કોઇ પ્રકારના ઉદ્ઘાટનનાં તાયફાઓ વિના નાલું ખુલ્લું મુકાયુ પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞિક રોડ તરફથી અમીન માર્ગ જવા માટે મનપા દ્વારા ડો.હોમી દસ્તુર માર્ગ પર રૂ. 4 કરોડનાં ખર્ચે રેલવે સાથે સંકલન કરીને વધુ એક નાલું (અંડરપાસ) બનાવવામાં આવ્યું હતું. જોકે તેમાં પાણી નિકાલ માટેની સમસ્યા હોવાથી લાંબા સમયથી નાલું ખુલ્લું મુકવામાં આવતું નહોતું પરંતુ, હાલમાં વરસાદની ખાસ શક્યતા નહીં હોવાથી મનપા દ્વારા કોઇ પ્રકારના ઉદ્ઘાટનનાં તાયફાઓ વિના આ નાલું ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેને લઈને યાજ્ઞિક રોડ તરફથી અમીન માર્ગ જતા હજારો વાહનચાલકોને વધુ એક રસ્તો મળતા ટ્રાફિક સમસ્યા હળવી થશે.
હવે વાહનચાલકોને રાહત મળશે મનપાનાં સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યા મુજબ હાલ લોકો માટે હોમી દસ્તુર માર્ગ પર રેલવે સાથે સંકલન કરીને બનાવવામાં આવેલ અંડરપાસ ખોલી નાખવામાં આવ્યું છે. તેમાં પાણીનાં નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે છતાં સાઈડમાંથી પાણીના નિકાલ માટેની વધુ વ્યવસ્થા આગામી સમયમાં કરવામાં આવશે.