છ ગામના હજારો વાહનચાલકોને હવે લોધીકા જવા વધુ 6 કિ.મી.નું અંતર કાપવું પડશે
માર્ગ અને મકાન વિભાગે વૈકલ્પિક જશવંતપુર-રાવકી માર્ગ શરૂ કરાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ પાળ
- Advertisement -
રાજકોટમાં 26 જૂનને ગુરુવારે બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા અનેક સ્થળે પાણી ભરાઇ ગયા હતા. ત્યારે લોધીકા તાલુકાના જખરાપીર-પાળ ગામના મુખ્ય રોડ પર બ્રિજ નિર્માણની કામગીરી ચાલુ હોય તંત્ર દ્વારા ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યુ હતુ. પરંતુ પ્રથમ વરસાદે જ ડાયવર્ઝન ધોવાઇ ગયો હતો. આ ડાયવર્ઝન ધોવાઇ જતા પાંચથી છ ગામને અવર-જવર કરવા માટે મુશ્કેલી ઉભી થઇ છે. એટલે કે હવે આ ડાયવર્ઝન પર પસાર થતા હજારો વાહનચાલકોને લોધીકા સુધી પહોંચવા માટે વધુ 6 કિલોમીટરનું અંતર કાપવુ પડશે. જો કે ડાયવર્ઝન ધોવાઇ જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં જશંવતપુર થઇને પાળ રાવકી માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. હાલ તો માર્ગ અને મકાન વિભાગ અને રાજકોટ ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યુ છે કે ડાયવર્ઝન પર એક ફૂટથી વધુ પાણી ભરાઇ ગયા હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પરંતુ ડાયવર્ઝનની સ્થિતિ જોતા તો એવુ જ લાગી રહ્યુ છે કે ડાયવર્ઝનની નબળી કામગીરી છે. આ ઉપરાંત આસપાસના ગામના લોકોમાં પણ બ્રિજની કામગીરી ધીમી અને નબળી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. હજુ તો વરસાદની શરૂઆત થઇ છે ત્યાં જ આવી સ્થિતિ છે તો ભારે વરસાદ આવે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.



