લક્ષ્મીનગર વિસ્તારના કસાઇ ડૉકટરની પાપલીલાની ચોમેર ચર્ચા
વીમા કંપની અને જિલ્લા પંચાયતમાં ખળભળાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી મશરૂમ જેવા ડોક્ટરની અહિતકારી હોસ્પિટલમાં સરકારી યોજનાના ગેરલાભ મામલે ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં અહેવાલો બાદ હોબાળો મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક તંત્રથી લઈ છેક ટોચના અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા છે. ટૂંકસમયમાં ભારત સરકારની આયુષ્માન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાના દુરુપયોગ મામલે મશરૂમ જેવા ડોક્ટરની અહિતકારી હોસ્પિટલ પર આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આયુષ્માન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો ગેરલાભ ઉઠાવી રહેલા ડોક્ટરની કેટલીક ઓડિયો ક્લિપ સિવાય સરકારી આંકડામાં પણ સ્પષ્ટ જોઈ સમજી શકાય છે કે, કેવી રીતે શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેમને ત્યાં જન્મતા તાજા બાળકો અને તપાસ માટે આવતા નવજાત શિશુના ફરજીયાત રિપોર્ટ કરાવે છે, ત્યારબાદ એ રિપોર્ટમાં છેડછાડ કરી તેમને ત્યાં જન્મતા તાજા બાળકો અને તપાસ માટે આવતા નવજાત શિશુઓને દાખલ કરી સરકારી યોજાનાને હાથો બનાવી મહિને કરોડો રૂપિયાની કમાણી કરે છે. હવે મશરૂમ જેવા ડોક્ટરની અહિતકારી હોસ્પિટલમાં ચાલી રહેલા પાપનો ઘડો છલકાઈ ચૂક્યો છે.
શું છે સમગ્ર મામલો?
શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા આયુષ્માન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો ગેરલાભ ઉઠાવવા નાના બાળકોને ખોટી રીતે એડમિટ કરવામાં આવી રહ્યા છે. આ કૂપ્રવૃત્તિઓનો કેટલાય નવજાત શિશુ અને તેમના પરિવાર ભોગ બન્યા છે એટલું જ નહીં, ડોક્ટર દ્વારા ચલાવવામાં આવતી આ કૂપ્રવૃત્તિને કારણે સરકારી તિજોરીને ભયંકર નુકસાન પહોંચ્યું છે. અહીં ડોક્ટર દ્વારા ફોન પર તેમના આસિસ્ટન્ટને સૂચના આપવામાં આવે છે કે, જો રિપોર્ટમાં સીઆરપી 3.4 ટકા હોય તો 34 ટકા કરી નાખો, બાળકનો વજન નોર્મલ આવ્યો હોય તો ઓછો કરી દેવો, જો રિપોર્ટમાં કમળો ઓછો હોય તો વધારી દેવો.. અને આમ ડોક્ટર દ્વારા રિપોર્ટમાં ઘાલમેલ કરી બાળકોને પેટીમાં રાખી સરકારી યોજના હેઠળ પૈસા કમાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, એક્સ-રે રિપોર્ટમાં પણ હેરફેર કરી નોર્મલ દર્દીને જૂના ફેક્ચરવાળા દર્દીના એક્સ-રે પધરાવી દાખલ કરી દેવામાં આવે છે. બાળકોને પેટીમાં રાખવા બદલ ડોક્ટર-હોસ્પિટલને આયુષ્માન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ મળતા પૈસાનો આંકડો પણ મહિને કરોડોમાં છે. આ કારસ્તાન છેલ્લા કેટલાક સમયથી સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે પણ હવે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓને મશરૂમ જેવા ડોક્ટરની અહિતકારી હોસ્પિટલમાં ચાલતી કૂપ્રવૃત્તિની ગંધ આવી જતા ટૂંકસમયમાં મોટા કડાકાભડાકા થવાના એંધાણ છે.