રાણપુર પછી આજે લીંબડી બંધ :
ધંધૂકામાં ગત તા. 25 ના ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના હવે સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે; અને ધંધૂકા બાદ બોટાદ, રાણપુર બંધ રહ્યા પછી આજે બાવળા સંપૂર્ણ બંધનું એલાન હિન્દુ યુવા વાહીની, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને બાવળાના નાના -મોટા તમામ વેપારીઓ દ્વારા સહકાર અપાઈ રહ્યો છે. આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના જમાલપુરમાં રહેતા ઐયુબ મૌલવીનું નામ સામે આવ્યું છે. બંધના એલાનને પગલે બાવળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. લીંબડીમાં પણ આજે બંધનું એલાન અપાયું છે.
આજે બાવળા બંધનું એલાન :
આજે બાવળા સંપૂર્ણ બંધનું એલાન હિન્દુ યુવા વાહીની, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે. બીજી તરફ વિરમગામ કોઠારી બાગથી તાલુકા સેવાસદન સુધી રેલી યોજી વિરમગામ તાલુકા સેવા સદન ખાતે વિરમગામ મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજ દ્વારા સંયુક્ત રીતે ધંધૂકા શહેરમાં કિશન ભરવાડના બનાવ બાબતે વિરોધ વ્યક્ત કરી સદર કેસમાં આંતકવાદ વિરોધી ધારો લગાવી હુમલાખોરો વિરુદ્ધ સખત પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે આજે ગોંડલ અને ધોરાજીમાં પણ આવેદનપત્ર અપાયું હતું. સાવ નજીવી બાબતમાં આ પ્રકારે કોઈ યુવકની હત્યા કરી દેવામાં આવે તે યોગ્ય નથી. એ પ્રકારની માંગ ભરવાડ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરી રહ્યા છે.
- Advertisement -
કિશન ભરવાડની જે પ્રકારે હત્યા કરવામાં આવી છે; તેને લઈને હવે સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મોટી સંખ્યામાં ગોંડલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સમર્થકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા; જયારે ભરવાડ સમાજ દ્વારા ધોરાજી પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી હત્યારાઓને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.
ગૃહમંત્રી મૃતકની દીકરીને હાથમાં લઈ ભાવુક થયા :
ગઈકાલે મૃતક યુવકની પ્રાર્થના સભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તેમણે મૃતકનાં પરિવારજનો સાથે વાતચીત કરી હતી; અને તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કિશન ભરવાડની માત્ર 20 દિવસની દીકરીને હાથમાં લઈ હર્ષ સંઘવી ભાવુક થયા હતા. તેમણે પરિવારની મહિલાઓની પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મહિલાઓને ખાતરી આપી હતી કે તેઓ તેમને ઝડપથી ન્યાય અપાવશે.