સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો છે કે લોકો ભોજન પહેલાં એનો ફોટો અને સૂતા પહેલાં પણ ફોટો શેર કરે છે. જન્મદિવસથી લઈને લગ્ન અને હનીમૂન સુધીના ફોટા પણ શેર કરવામાં આવે છે. જોકે હવે સોશિયલ મીડિયાનો આ ક્રેઝ ઓછો થઈ રહ્યો છે. બ્રિટિશ લોકોમાં આ ક્રેઝ ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. તેઓ હવે કંઈ પણ પોસ્ટ કરવા પહેલાં થોડું વિચારી રહ્યાં છે. કેટલાક લોકો હવે તેમના લગ્ન વિશે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ નથી કરી રહ્યાં. જોકે કેટલાક લોકો અન્ય લોકોના પ્રેશરમાં આવીને પણ પોસ્ટ કરી રહ્યાં છે. જોકે લગ્નમાં ઘણાં ફોટા એવા હોય છે જે ફક્ત લગ્ન કરનારની ફેમિલી પાસે જ હોય છે અને એ બીજા કોઈ પાસે નથી હોતા. આ સમયે ફ્રેન્ડ્સ સતત પોસ્ટ કરવા માટે કહેતાં પણ ઘણાં લોકો પોસ્ટ કરે છે.
લગ્નથી આગળ પણ બદલાવ
- Advertisement -
જોકે આ ફક્ત લગ્ન પૂરતું સીમિત નથી. બ્રિટનની કોમ્યુનિકેશન વોચડોગ કંપની ઓફકોમના રિપોર્ટ અનુસાર એડલ્ટ્સ હવે ઓછો સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે. આ રિપોર્ટ અનુસાર 2024માં બ્રિટનમાં અંદાજે 64 ટકા એડલ્ટ્સ પોસ્ટ શેર કરતાં, કમેન્ટ કરતાં અને લાઈક કરતાં. જોકે એ ટકાવારી હવે 49 પર આવી ગઈ છે. એટલે કે હવે ઓછા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે.
શું લોકો સોશિયલ મીડિયાથી દૂર થઈ રહ્યા છે?
સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. તેમાં સોશિયલ મીડિયાનો પેસિવ ઉપયોગ વધી રહ્યો છે. એટલે કે હવે લોકો કમેન્ટ, લાઈક અને કોઈ પણ રીતે ઇન્ટરેક્ટ થવાનું ટાળી રહ્યાં છે. આ સાથે જ જૂની અયોગ્ય પોસ્ટ્સ ફરી બહાર આવવાનો ભય પણ તેમનામાં રહેલો છે. તેમજ મેન્ટલ હેલ્થ અને વધુ સ્ક્રીન ટાઈમ અંગેની ચિંતાઓનો પણ એમાં સમાવેશ થાય છે. એનાથી એટલું તો સ્પષ્ટ છે કે લોકો હવે સોશિયલ મીડિયા વિશે વધુ વિચારવા લાગ્યા છે.
- Advertisement -
બદલાતું સોશિયલ મીડિયા સ્વરૂપ
મુખ્ય કારણોમાંનું એક છે સોશિયલ મીડિયાનું બદલાતું સ્વરૂપ. TikTok જેવા એપ્સ અને Instagramના Reels જેવા વીડિયોના કારણે લોકો હવે વધુ પેસિવ રીતે કન્ટેન્ટ જોતા થયા છે અને ઓછું પોસ્ટ કરતા થયા છે, જે Facebook જેવા જૂના પ્લેટફોર્મથી અલગ છે. ઓફકોમના રિસર્ચ મેનેજર જોસેફ ઑક્સલેડ આ વિશે કહે છે, ‘સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નેચર બદલાઈ રહ્યું છે. લોકો માટે હવે એમાં સક્રિય રીતે ભાગ લેવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.’
વિઝ્યુઅલ કન્ટેન્ટ અને વધતો ડર
Attention economy હવે વિઝ્યુઅલ બની ગઈ છે. યુકે TikTok માટે યુરોપમાં સૌથી મોટો યુઝર બેઝ છે, જેમાં 30 મિલિયનથી વધુ લોકો એપનો ઉપયોગ કરે છે. Instagramની પેરન્ટ કંપની Metaએ પણ જણાવ્યું કે Reelsના વ્યૂઝમાં નોંધપાત્ર વધારો થયો છે. મેટાએ જાન્યુઆરીમાં કહ્યું હતું કે છેલ્લા 12 મહિનાની સરખામણીમાં રીલ્સ જોવામાં 30 ટકાનો વધારો થયો છે. જોકે માત્ર હાલનો ઉપયોગ વધુ થયો છે, પરંતુ ભૂતકાળના પોસ્ટ્સ સમસ્યા બની રહ્યા છે. Ofcomના સર્વે મુજબ ઘણા લોકો ડરે છે કે જૂના પોસ્ટ્સ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે. આ વિશે જોસેફ ઑક્સલેડ કહે છે, ‘લોકો ચિંતિત છે કે તેઓ જે ઓનલાઇન પોસ્ટ કરે છે તે ભવિષ્યમાં તેમની લાઇફને અસર કરી શકે છે.’ અમેરિકા હવે વિઝા આપવા પહેલાં લોકોના સોશિયલ મીડિયાને સ્કેન કરે છે. તેમ જ ભારતમાં પણ સોશિયલ મીડિયા પર કઈ પોસ્ટ કર્યું હોય તો તવાઈ આવી શકે છે.
જૂના પોસ્ટ્સના પરિણામો
ઓનલાઈન શરમજનક ઘટનાઓની યાદી લાંબી છે. અભિનેત્રી Karla Sofía Gascónને ઇસ્લામ અને જ્યોર્જ ફ્લોયડ વિશેના જૂના ટ્વીટ્સના કારણે ઓસ્કર મળ્યું નહીં, જ્યારે Guardians of the Galaxyના ડિરેક્ટર James Gunnને પણ જૂના ટ્વીટ્સના કારણે Disney દ્વારા બહાર કરવામાં આવ્યા હતા, જોકે પછી ફરીથી લેવામાં આવ્યા હતા. કેટલાક કેસ ઝડપથી શાંત થઈ જાય છે, જેમ કે ઇંગ્લેન્ડના ફૂટબોલર Declan Riceએ 2015માં કરેલા પોસ્ટ માટે માફી માગી હતી. આ ઘટના તેના ઇંગ્લેન્ડ માટે રમવા પહેલા ત્રણ વર્ષ પહેલાની હતી. તેણે માફી માગી લીધી અને દુનિયા આગળ વધી ગઈ હતી.
રાજકારણમાં વધતી અસર
જૂના સોશિયલ મીડિયા પોસ્ટ્સ ખાસ કરીને રાજકારણમાં મોટી સમસ્યા બને છે. ડિસેમ્બરમાં, ન્યૂયોર્કના નવા મેયર Zohran Mamdani દ્વારા પસંદ કરાયેલા Catherine Almonte Da Costaએ રાજીનામું આપ્યું, કારણ કે તેના જૂના ટ્વીટ્સ ફરી સામે આવ્યા જેમાં “money hungry Jews” જેવા શબ્દો હતા. યુકેમાં 2024માં Labour પાર્ટીની MP Lauren Edwardsએ 2009ના ટ્વીટ માટે માફી માંગી હતી. આ પરિસ્થિતિમાં Ofcomએ જણાવ્યું કે ભવિષ્યમાં ઓનલાઇન પોસ્ટના કારણે સમસ્યા ઊભી થવાની ચિંતા ધરાવતા લોકોની ટકાવારી 43%થી વધીને 49% થઈ ગઈ છે. આ ટકાવારી અને આ પ્રકારના લોકો હવે દિવસે-દિવસે વધી રહ્યાં છે. જોસેફ ઑક્સલેડના મત મુજબ આ ડર માટેનું કારણ વધતું પોલરાઈઝેશન પણ હોઈ શકે છે. સર્વે મુજબ યુકેમાં 7,500 લોકોમાંથી ચોથા ભાગથી વધુ લોકો ઓનલાઇન એવા વિચારો જુએ છે જેનાથી તેઓ સહમત નથી થતા. લોકોને તેમની પોસ્ટનો ભવિષ્યમાં વિવાદ થઈ શકે એવું લાગે છે અને એથી જ લોકો હવે તેમના વિચારોને વ્યક્ત નથી કરી રહ્યાં. તેમ જ પોસ્ટ કરવાનું પણ ટાળી રહ્યા છે.
મેન્ટલ હેલ્થ અને સ્ક્રીન ટાઈમ ચિંતા
ઓફકોમના રિપોર્ટમાં માનસિક સ્વાસ્થ્ય અને વધુ સ્ક્રીન ટાઈમ અંગેની ચિંતાઓનો પણ ઉલ્લેખ છે. હવે માત્ર 59% લોકોનું માનવું છે કે ઓનલાઇન રહેવાના ફાયદા જોખમ કરતા વધારે છે. 2024માં આ ટકાવારી 72% હતી. આજે માત્ર 36% લોકો કહે છે કે સોશિયલ મીડિયા તેમની મેન્ટલ હેલ્થ માટે સારું છે, જે પહેલા 42% હતું. 40% લોકો કહે છે કે તેઓ “મોટાભાગના દિવસો” સ્ક્રીન પર ખૂબ સમય વિતાવે છે. આજે લગભગ ત્રીજા ભાગના લોકો કહે છે કે તેઓએ એપ ડિલીટ કરી છે કારણ કે તેઓ એમાં વધુ સમય વિતાવતા હતા અથવા એ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે ખરાબ હતું. 2025માં લગભગ ચોથા ભાગના લોકો આ કહેતા હતા, પરંતુ હવે એ સંખ્યા વધી ગઈ છે. ઓફકોમ મુજબ યુવાનોમાં આ વલણ વધુ છે. આ સર્વે સાથે 20 લોકોની પેનલ પણ હતી, જેમના નામ ડેટા પ્રોટેક્શન માટે બદલવામાં આવ્યા હતા. આ પેનલના એક સભ્ય રોબર્ટ (29) કહે છે કે સ્ક્રીન તેના જીવનમાં સતત હાજર છે.
સ્ક્રીન પર વધતી નિર્ભરતા
વધતાં સ્ક્રીનના ટાઈમ વિશે રોબર્ટ કહે છે, ‘મારું બધું વાંચન સ્ક્રીન પર છે. મારું બધું કામ સ્ક્રીન પર છે. હું ચેસ અથવા Catan (એક સ્ટ્રેટેજી બોર્ડ ગેમ) રમું ત્યારે પણ સ્ક્રીન જ હોય છે. અને જો તમે કંઈ જુઓ છો તો તે પણ સ્ક્રીન પર જ હોય છે. તેથી તે સતત વધતું જાય છે. તમને તેની ખબર હોય છે, પણ તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.’
સોશિયલ મીડિયા ટિપિંગ પોઈન્ટ પર
સોશિયલ મીડિયાના મેન્ટલ હેલ્થ પરના પ્રભાવ અંગેની ચર્ચા હવે ટાળી શકાય તેવી નથી અને આ સર્વે તે દર્શાવે છે. આ રિપોર્ટ અને ડેટા અનુસાર સોશિયલ મીડિયા હવે એક ટિપિંગ પોઈન્ટ તરફ જઈ રહ્યું છે. યુઝર્સ હવે એવી ડિમાન્ડ કરી રહ્યા છે કે એપ્લિકેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે જેમાં વધુ પાવર યુઝર્સના હાથમાં હોય અને તેઓ એને વધુ સારી રીતે કન્ટ્રોલ કરી શકે. આજે કોઈ પણ યુઝર્સ પાસે બે વિકલ્પ હોય છે. પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અને બીજું કે એને સંપૂર્ણપણે ઉપયોગ ટાળવો. ઘણાં લોકો વચ્ચેનો માર્ગ કાઢી લે છે કે જેમાં તેઓ થોડો ઘણો ઉપયોગ પણ કરે છે. જોકે પરિણામે ફરી સ્ક્રીન ટાઈમ વધી જાય છે. એક રિસર્ચ અનુસાર મેન્ટલ હેલ્થ પર અસર પડે ત્યારે લોકોની વિચારસરણી લગભગ નકારાત્મક થઈ જતી હોય છે. આથી સોશિયલ મીડિયા હવે આ પ્રકારના વિચારોને પ્રભાવિત કરી રહી છે.
બાળકો અને યુવાનો પર અસર
UKની Commons science and technology select committeeએ neuroscience અને digital childhoods અંગે તપાસ શરૂ કરી છે. તેની અધ્યક્ષ Chi Onwurah કહે છે કે ‘અમે હજુ પણ ખૂબ ઓછું જાણીએ છીએ કે આ આદતો બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ પર કેવી અસર કરે છે.’ UKમાં સેકડો ટીનેજર પર સોશિયલ મીડિયા બેન, ડિજિટલ કર્ફ્યૂ અને સમય મર્યાદાનો ટ્રાયલ પણ થશે. સાથે સાથે 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અંગે પણ વિચારણા ચાલી રહી છે. જોકે લોકો પણ હવે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે વધુ જાગૃત બની રહ્યા છે, જે પોઝિટિવ છે.
જાગૃત ઉપયોગ તરફ વળતા યુઝર્સ
સોશિયલ મીડિયા હજુ પણ આપણા જીવનમાં ગાઢ રીતે જોડાયેલું છે. 10માંથી 9 ઇન્ટરનેટ યુઝર્સ ઓછામાં ઓછું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. techUK અનુસાર આ પરિવર્તન વલણમાં ફેરફાર નહીં પરંતુ ઉપયોગની રીતમાં બદલાવ દર્શાવે છે. techUKની Doniya Soni-Clarke કહે છે, ‘આ બદલાવ બતાવે છે કે લોકો હવે વધુ વિચારપૂર્વક અને સમજદારીથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ડિજિટલ જાગરૂકતામાં લોકોની વધુ સારી સમજ થઈ રહી હોવાનો સંકેત છે.’
સોશિયલ મીડિયાની ઓળખમાં ફેરફાર
ઓફકોમના રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા તેની “સોશિયલ” ઓળખ પણ ગુમાવી રહ્યું છે. હવે લોકો ઇન્ટરએક્શન કરતાં વધુ મનોરંજન માટે તેનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ Matt Navarra કહે છે કે ‘હવે સોશિયલ મીડિયા મેચ્યોર ફેઝમાં છે, જ્યાં લોકો વધુ સમજદારીથી અને સુરક્ષિત રીતે ભાગ લે છે. લોકો હવે ગમે તે વસ્તુને પોસ્ટ કરવાનું ટાળી રહ્યા છે.’
વધતો સ્ક્રીન ટાઈમ અને AIનો ઉછાળો
આજે કન્ટેન્ટ બનાવનાર અને કન્ટેન્ટ જોનાર વચ્ચેનો અંતર વધી રહ્યો છે. આથી જ સોશિયલ મીડિયાની મૂળભૂત વ્યાખ્યા પણ હવે બદલાઈ રહી છે. લોકો પોસ્ટ કરવાનું ટાળે છે, પરંતુ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. ગયા વર્ષે લોકો સરેરાશ દરરોજ 4 કલાક 30 મિનિટ ઓનલાઇન રહ્યા હતા, જે 2024 કરતાં 10 મિનિટ વધારે છે. આ દર્શાવે છે કે આપણે હજુ પણ ટેક્નોલોજી સાથે જોડાયેલા છીએ. સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે ચિંતા હોવા છતાં, ઓફકોમના ડેટા દર્શાવે છે કે લોકો બીજી ટેક્નોલોજી AIને પણ ઝડપથી અપનાવી રહ્યા છે.
યુકેના અડધાથી વધુ એડલ્ટ યુઝર્સ ChatGPT જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરે છે, જ્યારે 16થી 24 વર્ષની વયના યુવાનોમાં આ આંકડો 80% સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને યુવાનો AIનો ઉપયોગ તેમના સાથી તરીકે પણ કરી રહ્યા છે. લગભગ 25થી 34 વર્ષની વયના પાંચમાંથી એક વ્યક્તિ AIનો ઉપયોગ તેમના સાથી તરીકે કરે છે. ટૂંકમાં બ્રિટિશ લોકો એક પ્રકારની ટેક્નોલોજી અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે, તો તેઓ બીજી ટેક્નોલોજીને સંપૂર્ણ રીતે સ્વીકારી રહ્યા છે. આથી AIની સાથે જોડાયેલી મેન્ટલ હેલ્થ અને વધુ ઉપયોગ અંગેની ચિંતાઓ પણ વધવાની શક્યતા છે.




