સરકારી જમીન બચાવી ન શકનાર કલેક્ટર ખાનગી જમીન કેવી રીતે બચાવશે?
રૈયા સરવે નંબર 318ની રૂપિયા સવાસો કરોડની જમીન પર દબાણ!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કલેક્ટર તંત્ર ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવેલી પોતાની સરકારી જમીન બચાવી શકતી નથી, ભૂમાફિયાઓઓએ પચાવી પાડેલી ખાનગી જમીન કેમ બચાવી શકશે એ સૌથી મોટો પ્રશ્ન ચર્ચાય રહ્યો છે. રાજકોટ શહેરમાં ભૂમાફિયાઓને કાબૂમાં રાખવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી વધી છે તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ સરકારી જમીન પર જ દબાણ કરીને તે પ્લોટ બારોબાર વેચવાના કૌભાંડ બેફામ રીતે ચાલી રહ્યા છે. રાજકોટમાં ભૂમાફિયાઓ નાગરિકોની જમીન-મકાન પર કબજો જમાવી કાયદો હાથમાં લે છે એ વાત જગજાહેર છે પરંતુ સરકારી જમીન પર કબજો જમાવી દેવામાં આવે અને તેનું જાહેરમાં વેચાણ કરવામાં આવે તેમ છતાં કલેક્ટર દ્વારા કાર્યવાહીનો આદેશ કરવામાં ન આવે કે કોઈ પગલાં ભરવામાં ન આવે ત્યારે સમગ્ર કલેકટર તંત્રની કામગીરી પર સવાલ ઉભા થવા સ્વાભાવિક છે. રૈયા રોડ પર આલાપ નજીક અમૃતાપાર્કની બાજુમાં આવેલા રૈયા સરવે નં. 318ના પ્લોટ નં.65-2ની 19821 વાર જમીન પર ભૂમાફિયાઓએ કબજો જમાવી 25 ઓરડી, મકાનો અને ઝૂંપડાં બનાવી દીધા હતા, દેવા ભરવાડ નામનો શખ્સ આ સરકારી જમીનને બારોબાર વેચી નાખે છે, આ અંગે એક દૈનિક દ્વારા સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાનો સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થતાં કલેક્ટર અરૂણ મહેશ બાબુએ એ જ દિવસે જાહેરાત કરી હતી કે, સરકારી જમીન પર કબજો જમાવનાર અને તે પ્લોટ વેચનાર પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરાત કર્યા બાદ કલેક્ટર અરૂણ મહેશ બાબુ જાણે સમગ્ર મામલો ભૂલી ગયા છે અને સરકારી જમીન પર કોઈ કારણોસર દબાણ દૂર કરતા નથી, અધૂરામાં પૂરું આ સરકારી જમીન પર વધતું જતું દબાણ પણ અટકાવી શકતા નથી.
‘ખાસ-ખબર’ ઈમ્પેક્ટ: અંતે કાર્યવાહી થઈ
મોડેથી મળતી માહિતી મુજબ મીડિયાનાં દબાણને કારણે આ જમીન પરનું અર્ધું દબાણ દૂર કરવામાં આવ્યું છે. જ્યારે બાકીની લગભગ 10 હજાર વાર જમીન પર હજુ દબાણ યથાવત હોવાની માહિતી મળે છે. ટૂંકમાં કહીએ તો કલેક્ટર અરૂણ મહેશ બાબુને વારંવાર ઢંઢોળતાં રહેવું પડે છે.
કલેક્ટરે તત્કાળ પગલાં લેવાની ત્રણ મહિના પહેલાં ખાતરી આપી હતી, કશું જ થયું નહીં!
- Advertisement -
વર્તમાન રાજકોટ કલેક્ટરનાં સમયગાળામાં સૌથી વધુ દબાણો
રૈયારોડ પર આવેલી સરકારી જમીન પર છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરકાયદે દબાણ વધી રહ્યું છે ત્યારે બે મહિના અગાઉ કલેક્ટર તંત્રે આ અંગે આકરા પગલાં લેવાની જાહેરાત કરી હતી. હવે જાહેરાતના ત્રણ મહિના સુધી કલેક્ટર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ભૂમાફિયાઓએ વધુ સરકારી જમીનનું દબાણ કરી લીધું. જે વિશે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ એક દૈનિકને જણાવ્યું હતું કે, ’આ ઘટનામાં જે તે સમયે જ લેન્ડ ગ્રેબિંગમાં સુઓમોટો કરવા આદેશ કર્યો હતો, તેની કાર્યવાહી ક્યાં પહોંચી તે માહિતી મેળવીશ, હાલ તે સ્થળે દબાણ ઘટવાને બદલે જો વધ્યા હોય તો તે ગંભીર કહેવાય, હવે તાત્કાલિક ત્યાં દબાણ હટાવવાની કાર્યવાહી કરાશે.’ રાજકોટ કલેક્ટરનાં આવા બિનજવાબદાર વલણ અને વાહિયાત નિવેદનથી સ્પષ્ટ સમજી શકાય છે કે, કલેક્ટર અરૂણ મહેશ બાબુને કાર્યવાહી ક્યાં પહોંચી છે, દબાણ કેટલું વધ્યું છે, કેટલું ઘટ્યું છે વગેરે કશું માલૂમ જ નથી. રાજકોટને આજ સુધીમાં મળેલા તમામ કલેક્ટરમાં વર્તમાન કલેક્ટર અરૂણ મહેશ બાબુનાં સમયગાળામાં શહેરમાં સરકારી અને ખાનગી જમીન પરનું દબાણ કૂદકેને ભૂસકે વધ્યું છે એ સ્પષ્ટ છે. સરકારી કે ખાનગી જમીન પર થતા દબાણ દૂર કરવામાં કલેક્ટર તંત્રને રસ નહોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
કલેક્ટરની જેમ પ્રાંત અધિકારીનો ઉડાઉ જવાબ
‘રૈયા રોડ પર આલાપ નજીક અમૃતાપાર્કની બાજુમાં આવેલા રૈયા સરવે નં. 318ના પ્લોટ નં.65-2ની 19821 વાર જમીન પર દબાણની ફરિયાદ આવતા જ પશ્ચિમ મામલતદારને સ્થળ તપાસ અને રોજકામનો આદેશ આપવામાં આવ્યો હતો, જે દબાણકર્તા છે તે તમામને નોટિસ અપાઇ ગઇ છે પરંતુ લેન્ડ ગ્રેબિંગની દરખાસ્ત હજુ મારા સુધી આવી નથી, જો દબાણ વધ્યું હોય તો તે કથળેલી સ્થિતિ થાય, બુધવાર બપોર પછી પગલાં લેવાશે’ એવું પ્રાંત અધિકારી કેસર ચૌધરીએ એક દૈનિકને જણાવ્યું છે. સરકારી જમીન પર થયેલા દબાણ અંગે કલેક્ટર જેમ પ્રાંત અધિકારી પણ ઉડાવ જવાબ આપી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર નોટિસ અપાઇ ગઇ છે, દબાણ વધે તો સ્થિતિ કથળી કહેવાય! મતલબ દબાણ થયું છે એ સ્થિતિ કથળી નથી પણ દબાણ વધે તો સ્થિતિ કથળે? ક્યાં ચોક્ક્સ કારણોસર કલેક્ટર અને પ્રાંત અધિકારીથી મિલિભગતથી સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવતા નથી એ તપાસનો વિષય છે.