પલળેલી કેરી ખાવા કરતા સારી કેરી ખાઈ લઈએ, અચાનક ઘરાકી નીકળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઉનાળો એટલે કેરીની મુખ્ય સીઝન. સામાન્ય રીતે જૂન મહિનામાં વરસાદ બાદ કેરીની આવક અને ખરીદીમાં ઘટાડો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે એવું થાય એ પહેલા જ મે મહિનામાં જ વરસાદ પડી ગયો છે. આવનારા 2-3 દિવસોમાં પણ હજુ વધુ વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે આ વરસાદથી કેરીના વેપારીઓને ફાયદો કે નુકશાન ? આ પ્રશ્ર્નના ઉત્તર માટે ખાસ ખબરે વેપારીઓ સાથે વાત કરી હતી.
જેમાં સદર બજારમાં દુકાન ધરાવતા અવેશભાઈ જણાવે છે કે; અમારે વરસાદ બાદ કેરીમાં સારી સીઝન નીકળી છે. કારણ કે અમારી પાસે અતિયારે જે કેરી હોય તે વરસાદમાં પલળ્યા વગરની હોય અને હવે આવનારી કેરીઓને વરસાદ લાગી ગયો હશે. એટલે હાલમાં લોકો એવું વિચારી રહ્યા છે કે વરસાદમાં પલળેલી કેરી ખાવા કરતા અતિયારની સારી કેરી વધુ ખાઈ લઈએ. તેથી હાલમાં બજારમાં પણ કેરી ખરીદીને લઈને સારી ઘરાકી જોવા મળી રહી છે. પરંતુ જો હવે વધુ વરસાદ પડે તો ખેડૂતોને ચોક્કસ નુકશાની જશે તેવું લાગી રહ્યું છે. તેમજ હાલમાં કેસર કેરીનો મબલખ પાક થયો છે અને વધુ વહેંચાય પણ રહી છે. 1 કિલો દીઠ કેરીના ભાવની વાત કરીએ તો; કેસરના 150 થી 200, હાફુસ રત્નાગીરીના 200 થી 250, લાલ બાગના 200 થી 250, કેસર કાચી 800 થી 2500 રૂપિયા ચાલી રહ્યા છે.