જયહિન્દ એજન્સીને ભૂગર્ભ ગટરનો આપ્યો હતો કોન્ટ્રાક્ટ, જે સમયસર ન થતા મનપાએ ડિપોઝીટ જપ્ત કરી હતી
કંપનીએ લવાદ કોર્ટમાં મનપા વિરુદ્ધ દાવો માંડ્યો જેમાં એજન્સી જીતી, આ ચુકાદાને પડકારવા મનપા સિવિલ કોર્ટમાં ગઈ જ્યાં રકમ જમા કરાવવા કર્યો આદેશ
રાજકોટ મહાનગરપાલિકાને સિવિલ કોર્ટે 1.91 કરોડની માતબર રકમ જમા કરવાનું કહ્યું છે. અને 25 એપ્રિલ સુધીમાં રકમ જમા કરાવવા માટે નોટિસ ફટકારી છે અને જો તેમ નહીં થાય તો મનપાની સંપત્તિ જપ્ત થશે તેવું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ 10 વર્ષ પહેલા જયહિન્દ નામની કોન્ટ્રાક્ટ એજન્સીને ભૂગર્ભ ગટર માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ એજન્સીએ માત્ર 2 ટકા કામ પૂર્ણ કરતા મહાનગરપાલિકાએ જયહિન્દ કંપનીને બ્લેકલિસ્ટ કરી નાખી હતી. આ સિવાય કોર્પોરેશને કંપનીની ડિપોઝીટ પેટે ભરેલી રકમ અને બેન્ક ગેરંટી જપ્ત કરી લીધી હતી. જેને લઈને જયહિન્દ કંપનીએ લવાદ કોર્ટમાં કેસ કર્યો હતો જે કેસમાં કોન્ટ્રાક્ટ એજન્સીએ પુરાવા રજૂ કરતા ચુકાદો તેની તરફેણમાં આવ્યો હતો.જ્યારે મહાનગરપાલિકાએ કોર્ટના ચુકાદાને સિવિલ કોર્ટમાં પડકાર્યો છે. જ્યારે સિવિલ કોર્ટે પણ મનપાને નોટિસ ફટકારી છે કે, પહેલા 1 કરોડ 91 લાખની રકમ જમા કરાવો ત્યારબાદ જ કોર્ટનો નિર્ણય લેવાશે. સિવિલ કોર્ટે 25 એપ્રિલ સુધીનું રકમ જમા કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. અને જો આ રકમ જમા નથી તો સંપત્તિ જપ્ત કરવાનો આદેશ પણ કોર્ટે કર્યો છે.