ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જુન-2024ના સત્રના પ્રવેશ અર્થેની જાહેરાત થયેલ છે. જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા તરફથી SINGLE GIRL CHILD (સિંગલ ગર્લ ચાઇલ્ડ)નું પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
- Advertisement -
આ જાહેરાત પૈકી જે માતા-પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દિકરી હોય અને તે દિકરીનો જન્મ 01/06/2017 થી 30/05/2018 દરમ્યાન થયેલ હોય તેવા માતા-પિતા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરમાંથી તા.14/03/2024 થી તા.26/03/2024 સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારે 10.30 થી સાંજે 06.00 કલાક સુધી પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ પ્રમાણપત્ર મેળવવા અર્થે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN માં ફોર્મસ મેનુમાંથી જન્મ મરણ વિભાગમાં RTE SINGLE GIRL CHILD ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે રજુ કરવાના પુરાવા પૈકી બાળકનું જન્મ પ્રમાણપત્ર, બાળકના માતા અને પિતાના આધાર કાર્ડ, કુટુંબનું રાશન કાર્ડ (જેમા બાળકનું નામ ફરજીયાત જરૂરી છે) તેમજ જો પુરાવાઓ રાજકોટ શહેર સિવાયના હોય તો રાજકોટ શહેરમાં જ્યાં રહેતા હોય તે જગ્યાનો રહેણાંકનો પુરાવો તેમજ સાથે જોડેલ નમુના મુજબનું રૂ. 50/-ના સ્ટેમ્પ પેપર ઉપર કરેલ નોટરાઇઝ્ડ સોગંદનામુ રજુ કરવાનું રહેશે.