બે વર્ષ પહેલાં પુલનાં નવીનીકરણ માટે 8 કરોડ મંજુર થયા હતાં
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાના ધણફૂલિયા – ગાંઠીલાને જોડતો ઓઝત નદી પરનો પુલ ઓઝત નદીમાં આવેલા ભારે પાણીના પ્રવાહને કારણે ધોવાઈ ગયો છે. આ પુલને જોડતા સામે કાંઠાના અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને લોકોને સોનારડી તરફ ફરીને જવું પડશે. ગયા વર્ષે પણ આ પુલ તૂટી જતા પથ્થરો તેમજ ધૂળ નાખી રીપેર કરવામાં આવ્યો હતો. લોકોના આસ્થા સમાન અહીં કડવા પટેલ સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. આ પુલના નવીનીકરણ માટે બે વર્ષ અગાઉ આશરે 8 કરોડ જેવી રકમ મંજુર કરવામાં આવી છે. પરંતુ વિકાસના દાવા વચ્ચે હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. આગામી સમયમાં આ પુલના નવીનીકરણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.