ઇન્દીરાનગરથી ઓડદર સુધીના ટેકરાઓ ઉપર થશે વૃક્ષારોપણ: રતનપર સામેના બીચનો નેચરલ બીચ તરીકે વિકાસ કરવા થશે આયોજન
આગ લગાડનારાઓ સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવા કલેકટરે આપી સૂચના
‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ પ્રોજેકટના ચેરમેન, મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્થળ મુલાકાત લઇને કરી ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના રતનપર અને ઓડદર નજીક દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં વારંવાર ચોકકસ તત્ત્વો દ્વારા આગ લગાડવામાં આવે છે ત્યારે આ સ્થળને પિકનીક સ્પોટ તરીકે વિકસાવવા પોરબંદરના અધિકારીઓ સહિત સામાજિક સંસ્થાના આગેવાનોએ સ્થળ મુલાકાત લઇને મંતવ્યો જાણ્યા હતા એટલું જ નહીં પરંતુ નજીકના બીચને પણ નેચરલ બીચ તરીકે વિકસાવવામાં આવશે તેવું જાહેર થયુ હતું.
પોરબંદર-ઓડદર રોડ પર વારંવાર શંકાસ્પદ રીતે આગ લાગે છે અને ત્યાં ખૂબજ આકર્ષક અને સુંદર લાગતી અને વર્ષો પછી આટલી ઉંચાઇએ પહોંચી છે તે ઝુરીઓ બળીને ખાખ થઇ રહી છે અને અનેક ઝુરીઓ છુપીથી કપાઈ ચૂકી છે ત્યાં અને આજુબાજુના ટેકરાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે તો આ એરીયા પ્રવાસીઓને માટે પીકનીક સ્પોટ બની શકે તેમ છે. એ પ્રકારની રજૂઆત કલેકટર ઍસ.ડી.ધાનાણીને ’આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ પ્રોજેકટના ચેરમેન રામદેવભઈ મોઢવાડીયા, પ્રવીણભાઇ ખોરાવા અને ધર્મેશભાઈ પરમારે રૂબરૂમાં મળીને તે એરિયામાં વૃક્ષારોપણ કરીને પ્રવાસીઓ માટે આકર્ષક બનાવવાની રજુઆત કરી હતી. આ રજુઆતને હકારાત્મક પ્રતિસાદ આપીને પર્યાવરણપ્રેમી કલેકટર, નાયબ મ્યુનિસીપલ કમિશ્નર મનન ચતુર્વેદી, માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર હિતેષ સીસોદીયા, ડી.એલ.આર.ના પ્રતિનિધિ અને ’આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ની ટીમ રામદેવભાઈ મોઢવાડીયા, ધર્મેશભાઈ પરમાર, ડો. આશિષ શેઠ, ડો. દર્શક પટેલ અને ભરત રૂઘાણીને સાથે રાખીને સ્થળ મુલાકાત લીધી હતી. આ જગ્યાથી કલેકટર પણ પ્રભાવિત થઇને ઇન્દીરાનગરથી ઓડદર સુધી રોડની બંને બાજુના ટેકરાઓમાં વૃક્ષારોપણ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. રતનપર બસસ્ટેશનની સામે, રતનપરના જુના સ્મશાનની બાજુના બીચને નેચરલ બીચ તરીકે ડેવલપ કરવાનું આયોજન મહાનગરપાલિકાએ હાથ ધરેલ છે. તે સ્થળની પણ મુલાકાત લીધી હતી અને નેચરલ બીચની અને ત્યાં વોલીબોલ સહિતની પ્રવાસીઓ માટે ઉભી થનારી સવલતો અંગે કલેકટરે ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશ્નર મનન ચતુર્વેદી પાસેથી વિગતો મેળવીને જરૂરી સુચનો કર્યા હતા.હકારાત્મક અને ત્વરિત પ્રતિભાવ માટે ’આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ પ્રોજેકટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયાએ કલેકટરનો આભાર માન્યો હતો. અને જણાવ્યુ હતુ કે પોરબંદરના અધિકારીઓ હરહંમેશા વિકાસના કામોમાં સહભાગી બનીને સંસ્થાઓને પ્રોત્સાહિત કરે છે ત્યારે અમારા પોરબંદર જિલ્લાને હરિયાળો બનાવવાના પ્રોજેકટને પણ અધિકારીઓનો સહકાર મળ્યો છે અને વહેલીતકે ઇન્દીરાનગરથી ઓડદર સુધી વૃક્ષારોપણની કામગીરી પણ આગળ ધપશે તેમ ખાત્રી આપી હતી.
જાણવા જોગ ફરિયાદ નોંધવા કલેકટરે આપી સૂચના
પોરબંદરના જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ વારંવાર જ્યાં શંકાસ્પદ રીતે આગ લગાડવામાં આવે છે તે સ્થળની મુલાકાત લીધા બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને આ બનાવમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવવા સૂચના આપી હતી અને પ્રકૃતિ અને પર્યાવરણનું હનન કરનારાઓ સામે કડકમાંકડક પગલા ભરવા આદેશ આપ્યો હતો.