કાર્તિક મહેતા
બેંગ્લોરના એક કપલે ઈન્સ્ટાગ્રામ ઉપર હમણાં પોતાની સ્ટોરી શેર કરી. આ બેય ભેગા થઈને મહિને પાંચ લાખ રૂપિયા પાડતા હતા અને એમાંથી લગભગ એકાદ લાખ “ઇન્વેસ્ટ” કરીને બાકીના નાણાં ખર્ચ ખાતે ખતવતા હતા.. એમણે પોતાનો માસિક હિસાબ મૂકીને લોકોને ચર્ચાએ ચડાવી દીધા. ઘણા લોકોને લાગ્યું કે આવડી કમાણી અને આટલું સરસ આર્થિક મેનેજમેન્ટ ગજબ કહેવાય !!!! તો અમુકને લાગ્યું કે આવું તે કેવું જીવન કે બેય કમાય, બેય ખાય !!!! આને થોડું જીવન કહેવાય ??
- Advertisement -
હવે જોકે આવા કપલ્સની સંખ્યા ભારતમાં વધવા લાગી છે. દરેક ચીજને અર્થકારણ ની નજરે જોવાની રાક્ષસી વૃત્તિનો લોકોમાં ભયાનક હદે વિકાસ થયો છે. આ વૃત્તિની આડઅસરો હવે છેડેચોક દેખાય છે. ભારતમાં સતત વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી ચાલી છે. અમુક કંપનીઓને હવે આ કામમાં એકદમ નફાકારક ધંધો દેખાયો છે એટલે હવે ફાઈવ સ્ટાર ફેસિલિટી આપતા વૃદ્ધાશ્રમ પણ અસ્તિત્વમાં આવ્યા છે. (આ ધંધો ભારતમાં ખૂબ વિકાસ પામવાનો છે તે નિશ્ચિત છે) ..
અરે, આ તો કશું નથી. ભારતના મોટા અને ગીચ શહેરોમાં તો હવે જે વિચારધારાઓ વિકાસ પામી છે તે તો બહુ નવાઈ પમાડે એવી છે. ભારતમાં મુંબઈ પુના બેંગલોર કે નોઈડા જેવા અતિ ગીચ અને પોતાને વિકસિત કહેવડાવતા શહેરોમાં હવે ઉઈંગઊં (ડબલ ઈનકમ નો કીડ્સ) એટલે કે બે (પતિ પત્ની) કમાનાર હોય પણ બાળકો પેદા કરે નહિ એવો કોન્સેપ્ટ પણ ચલણી બન્યો છે. આ પ્રકારના કોન્સેપ્ટ ને માનનારા દંપતીઓ જીવનનો ફાઇનલ તબક્કો કોઈ વૈભવી વૃદ્ધાશ્રમમાં વિતાવવાનો પ્લાન કરતા હોય છે. એમની ગણત્રી અનુસાર બાળક પેદા કરવું તે એક “ખોટનો સોદો” છે. બાળકના ઉછેરનો ખર્ચ જેટલા નાણાં જો યોગ્ય જગ્યાએ “ઇન્વેસ્ટ” કરવામાં આવે તો વૃદ્ધાવસ્થાને એકદમ ટેસડા પૂર્વક જીવી શકાય એવી એમની પાકી ગણતરી છે. આ વિચારધારામાં માનવાવાળા કપલ વધી રહ્યા છે.
બીજો એક કોન્સેપ્ટ પણ ભારતના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય થયો છે તે છે : ઋઈંછઊ. (ફિનાંશિયલી ઇન્ડીપેન્ડન્ટ, રીટાયર્ડ અર્લી). આ કોન્સેપ્ટ અનુસાર યુવાનો શેર બજાર કે સટ્ટા કે તગડા પગાર વાળી નોકરી કે સ્ટાર્ટ અપ થકી લગભગ ચાલીસ વર્ષની ઉંમર સુધીમાં એટલું કમાઈ લેવાના ગોલ સેટ કરે છે કે એમની બાકીની લાઇફ તેઓને કોઈ ખાસ કામ કરવું પડે નહિ. તેઓ ફાઈનાંશિયલી સ્વતંત્ર બની જાય.
આ બેય કોન્સેપ્ટ દેખીતી રીતે બહુ સારા જણાય પણ એમની પણ કાળી બાજુઓ છે. પૈસે ટકે સમૃદ્ધ થવું એ જ જીવનનો મુખ્ય ધ્યેય હોય તેવી સમજણ લોકોમાં ડેવલપ થઈ છે. આ સમજણને કારણે અંધાધૂંધ પૈસા કમાવા પાછળ લોકો પોતાના જીવનના જે સૂક્ષ્મ અને સાચા આનંદો છે તેને વેડફી અને ખોઈ નાખે છે.
- Advertisement -
એક બાળકની કિલકારી ભારતીય જ નહિ પણ જગતના કોઈપણ કલચરમાં બધાને વહાલી જ હોવાની. ડબલ ઈનકમ , નો કિડ્સ વાળા કપલ્સ આ અનુપમ સુખથી વંચિત રહીને બસ પોતાના ફાઈનાંશિયલ ગોલ પૂરા કરવાને પોતાનો જીવન ધ્યેય સમજે છે !! વિચાર કરો એમના માતા પિતા નો જેઓ કદી પોતાના પૌત્ર પૌત્રીઓ ને રમાડવાનું સુખ મેળવી નહીં શકે !!
એક સમય હતો કે જ્યારે લોકો એક કામ પાછલ પોતાનુ આયખું આપી દેતા. નાના ગામોમાં હજી પણ વર્ષોથી મોચિકામ, દરજીકામ કે નાનો મોટો વેપાર કરતા લોકો દેખાય જેમણે પોતાના કામને યોગ સમજીને આખું જીવન કોઈ ફરિયાદ વિના વિતાવી દીધું હોય. પરંતુ આવા ધીમા, એકધારા જીવનને આજના અમુક યુવાનો બોજ સમજે છે, એમને લાગે છે કે ચાલીસ વર્ષ પછી માણસે ગમતું કામ અને મજાઓ જ કરવી જોઈએ.
પણ એમને જાણ નથી કે મજાઓ નો કોઈ અંત નથી હોતો. જીવનનો હોય છે. મજાઓનો અનુભવ અભાવથી જ શક્ય છે. જ્યા અભાવ નથી ત્યાં મજા નથી એટલે તો ઘણા નબીરાઓ દ્રગ અને દારૂને રવાડે ચડી જાય છે કેમકે એને અભાવનો અભાવ હોય છે , એમને લીલો દુકાળ હોય છે, છત નો રોગ હોય છે !!
દરેક ચીજને વેપારી ગણતરીથી જોવાની યુરોપિયન /અમેરિકન વૃત્તિએ આપણા કુટુંબ જીવનને પણ તહસ નહસ કર્યું છે. સાસરિયા જોડે જરાક વાંકું પડતાં યુવતીઓ કેસ કબાડા કરીને મસમોટી એલીમની માંગે તે હવે કોમન પ્રકરણ બન્યું છે. સામે દહેજ કે કરિયાવર ને નામે લૂંટફાટ તો ચાલુ જ છે.
તહેવારોને પણ વેપારી દ્વષ્ટિએ અભડાવી દીધા છે. દિવાળી , હોળી રક્ષાબંધન વગેરે વેપારી તાયફાઓ બની ગયા છે. લગ્ન જેવો સુંદર પ્રસંગ ભારતમાં વેપારી તામજામની હરિફાઈ બન્યો છે. કહે છે કે લગનો જેમ ભવ્ય બનતા ગયા એમ તકલાદી બનતા ગયા છે.
આપણા કુટુંબ, આપણો સમાજ, આપણા તહેવારો અને આપણા સંબંધો ક્યારેય આટલા હદે કમર્શિયલાઈઝ થયા નહોતા જેટલા આજે છે. નવાઈજનક રીતે આ સાંસ્કૃતિક પતન માટે પણ આડકતરી રીતે અમેરિકા જવાબદાર છે.
અમેરિકન અર્થ નીતિઓની ચુંગાલમાં ભારત સહિત તમામ દેશો જકડાતા આવ્યા છે. આથી દરેક દેશ અમેરિકન કલ્ચર ને પણ અપનાવતો થયો છે. ભારત ચીન સહિત જાપાન કોરિયા બધા દેશોમાં ભલે મૂળ કલ્ચર બીજું હોય, મુખ્ય ક્લચર અમેરિકન છે. બધા બર્થ ડે પાર્ટીઓ, ભવ્ય લગ્નો, તાયફા જેવા તહેવારો ,તૂટતાં કુટુંબો અને ઉભરાતી હોસ્પિટલો જેવા લક્ષણો ધરાવે છે.
ગ્રેટ અમેરિકન ડ્રીમ ખુદ અમેરિકનોને પણ સુખ નથી આપી શક્યું તો બીજાને તો શું સુખી કરશે ?
બેંગ્લોરના પેલા પાંચ લાખીયા કપલ કરતા સૌરાષ્ટ્રના નાના ગામનુ કોઈ પચીસ હજાર કમાતું કુટુંબ સો ટકા વધારે સુખી હશે એની ગેરંટી ! કોઈ શક ??



