જ્ઞાન પ્રાપ્તિ માટે કોઈ ઉંમર હોતી નથી, હંમેશા અધ્યયન કરો: આચાર્ય દેવવ્રત
13 વિદ્યાશાખાના 126 વિદ્યાર્થીઓને 147 ગોલ્ડમેડલ અર્પણ કરાયા
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એગ્રિકલ્ચર અને એનિમલ હસ્બન્ડરીનો અભ્યાસ થશે
શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફૂલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ગવર્નર અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કર્યા હતા. પદવીદાન સમારોહમાં કુલ 13 વિધાશાખાના 126 વિદ્યાર્થીને 147 ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા. જેમાં દાતાઓ તરફથી કુલ 66 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 81 ગોલ્ડમેડલ એનાયત થયા હતા. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ ઉંમર હોતી નથી. એટલે પદવી પ્રાપ્ત કર્યા બાદ પણ પોતાના વિષયનું અધ્યયન સતત ચાલુ રાખવું જોઈએ.
- Advertisement -
આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલ માધ્યમની ગૌ-કૃષિ વિદ્યા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો, એ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની ગઈ છે કે જ્યાં એક સાથે એગ્રીકલ્ચર અને એનીમલ હસ્બન્ડરીનો અભ્યાસ કરાવવામાં આવશે.જે શિક્ષા તમને જવાબદાર નાગરિક ન બનાવી શકે એ શિક્ષાનું કોઈ મૂલ્ય નથી. ત્યારે તમને મળેલી શિક્ષાનું સમ્માન કરીને એક જવાબદાર નાગરિક બનવાની જવાબદારી વધી જાય છે. આપણા વ્યવહારથી સમાજમાં આપણા ગુરુ અને માતા – પિતાનું ગૌરવ વધારવું જોઈએ તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું. કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજનો દિવસ મહત્વ પૂર્ણ છે. એક લક્ષ્ય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનુંએ લક્ષ્ય આજે પૂર્ણ થયું છે. સુવર્ણ પદક અને પદવી મેળવનાર વિધાર્થીઓના લક્ષ્યને પૂર્ણ કરવામાં ગુરુ અને માતા – પિતાની ભૂમિકા વધુ મહત્વની છે. જેના પ્રયાસો – તપસ્યા – પરિશ્રમ અને અનુભવો થકી જ તમને આ પદવી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે.
વિદ્યા પ્રાપ્તિનો કોઈ અંત નથી, એ જીવન પર ચાલતી નિરંતર પ્રક્રિયા: શિક્ષણમંત્રી
આ તકે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યા પ્રાપ્તિનો કોઈ અંત નથી હોતો, એ જીવન પર ચાલતી નિરંતર પ્રક્રિયા છે. ભારતીય યુવાનોનું ટેલેન્ટ વિશ્વના તમામ ખૂણે જોવા મળે છે. નવી શિક્ષણ નીતિમાં ગીતા, રામાયણ, મહાભારત સહિતના ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન વણી લેવામાં આવ્યું છે જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકાય.
વૂડનના બોક્સમાં મેડલ અને સર્ટિફિકેટ અપાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વખતે નવતર પ્રયોગ હાથ ધર્યા છે. દર વર્ષે યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને સામાન્ય ફાઈલમાં પદવી અને અન્ય સર્ટિફિકેટ આપવામાં આપતા હોય છે, પરંતુ આ વર્ષે યુનિવર્સિટી દ્વારા વિશેષ અને આકર્ષક વૂડનના બોક્સ બનાવવામાં આવ્યા છે તેમાં જે 126 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ અને સર્ટીફિકેટ વૂડન બોક્સમાં ડિગ્રી અપાઈ હતી.