રાજ્યના સીનિયર-જુનિયર ભાઈઓ-બહેનોની કેટેગરીમાં કુલ 1207 સ્પર્ધકો ભાગ લેશે
આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
ગરવા ગિરનારને સર કરવા 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2024-25 તા.5-1-2025ના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરએ, ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા રાજ્યભરમાંથી આવનાર સ્પર્ધકોને રહેવા- જમવાની સુવિધાઓ માટે પૂર્વ તૈયારીઓની જાણકારી મેળવી હતી. ઉપરાંત જોખમી ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોને ત્વરિત જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે એમ્બ્યુલન્સ અને પુરતી મેડિકલ ટીમ તૈનાત રહે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં સ્પર્ધાને અનુલક્ષીને સાફ સફાઈ, વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે અને અન્ય જરૂરી સમારકામ માટે પણ કલેક્ટરે માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધા 2024-25 ફેબ્રુઆરી માસની બીજી તારીખે યોજાનાર છે, ત્યારે તેના આયોજન અંગે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.રાજ્યભરમાંથી સિનિયર-જુનિયર ભાઈઓ-બહેનોની કેટેગરીમાં કુલ 1207 સ્પર્ધકો ભાગ લેશે. જેમાં સિનિયર કેટેગરીમાં ભાઈઓ 558, સિનિયર બહેનો 149 અને જુનિયર કેટેગરીમાં ભાઈઓ 366 અને જુનિયર બહેનો 134 નો સમાવેશ થાય છે.



