8મી મે વિશ્ર્વ થેલેસેમિયા દિન
લગ્ન કરતાં પહેલાં નવયુગલે પોતાનો થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જરૂરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ, જામનગર, ભાવનગર કે જૂનાગઢ સહિતના શહેરની સરકારી હોસ્પિટલના થેલેસેમિયા વોર્ડમાં સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે જવાનું થાય તો તમને બે મહિનાના બાળકથી લઈને 20 વર્ષ સુધીના યુવાનના શરીરમાં કીટ વડે લોહી સરકતુ દેખાય. આ દૃશ્ય હૃદયને હચમચાવી દે તેવું હોય છે. કુમળા છોડ જેવા નિર્દોષ બાળકોએ એવો તે ક્યો ગુનો કર્યો હશે કે આવી સજા વેઠવી પડે? આ બાળકો લોહીના વારસાગત રોગ થેલેસેમિયાનો ભોગ બનેલા છે અને ભારત સહિત દુનિયાના દરેક દેશોમાં થેલેસેમિયા રોગે સમગ્ર માનવ સમાજ માટે ગંભીર પડકાર છે.
થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે. થેલેસેમિયાના મુખ્ય પ્રકાર છે થેલેસેમિયા માઈનોર, થેલેસેમિયા મેજર. ભારતમાં દર 50 વ્યક્તિએ એક થેલેસેમિયા માઈનોર છે. પતિ અને પત્ની બંનેને થેલેસેમિયા માઈનોર હોય ત્યારે જ તેમના બાળકો થેલેસેમિયા મેજર જન્મે છે, અન્યથા નહીં. સ્ત્રી અને પુરુષ બેમાંથી એક થેલેસેમિયા માઈનોર હોય અને બીજું નોર્મલ હોય ત્યારે તેમના બાળકો થેલેસેમિયા મેજર જન્મવાની કોઈ જ શક્યતા નથી. સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને થેલેસેમિયા માઈનોર છે પણ શ્રીમતી જયા બચ્ચન નોર્મલ હોય તેમના બાળક અભિષેક કે શ્ર્વેતા બેમાંથી કોઈ થેલેસેમિયા મેજર જન્મેલ નથી. થેલેસેમિયા માઈનોર સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિ હોય છે અને સંપૂર્ણપણે નિરોગી જીવન જીવી શકે છે. થેલેસેમિયા કોઈ પ્રકારનો ચેપી રોગ નથી કે થેલેસેમિયા માઈનોર કોઈ દિવસ થેલેસેમિયા મેજરમાં ફેરવાતો નથી. આમ તેનાથી ગભરાવવાની, શરમાવવાની કે છુપાવવાની કોઈ જરૂર નથી પણ લગ્ન પહેલા ગ્રહો જોવડાવવાની સાથે તમામ યુવક યુવતીઓએ અવશ્ય થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જ જોઈએ જેથી ભવિષ્યમાં પોતાના સંતાનો થેલેસેમિયા મેજરવાળા જન્મે નહીં અને જીવતર ઝેર બનતાં અટકે. વિશ્ર્વના 60 દેશોમાં આ ભયાનક આનુવંશીક રોગ જોવા મળે છે. થેલેસેમિયા રોગ તમામ ધર્મ અને જ્ઞાતિમાં જોવા મળે છે. ત્યાં લોહાણા, સીધી, ખોજા, ભાનુશાળી, વણકર, મુસ્લિમ વગેરે જ્ઞાતિમાં વિશેષ જોવા મળે છે. ભારતમાં અને આપણા ગુજરાતમાં થેલેસેમિયાના ઘણાં દર્દીઓ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં થેલેસેમિયાના અંદાજે 3 હજાર જેટલા બાળકો છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના છાત્રો માટે કોલેજમાં એડમિશન વેળાએ થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરેલું છે તે જ રીતે ઈટાલીમાં તો લગ્ન કરતાં પહેલાં પાદરીને અમને થેલેસેમિયા નથી અથવા છે એવું પ્રમાણપત્ર બતાવવું પડે છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ પ્રેરિત થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિના માનવતા જેના લોહીમાં વહે છે તેવા સેવાના રંગે રંગાયેલા કાર્યકર્તાઓ સૌને સાથે રાખીને રાજકોટ શહેર થેલેસેમિયામુક્ત બને તે માટે જનજાગૃતિના અવિરત કાર્યક્રમો યોજે છે.
સંસ્થાના સેવાને સમર્પિત કાર્યકર્તાઓ અનુપમ દોશી, મિતલ ખેતાણી, ઉપેનભાઈ મોદી, ડો. રવી ધાનાણી, હસુભાઈ રાચ્છ, જીતુલભાઈ કોટેચા, સુરેશભાઈ બાટવીયા, જનાર્દનભાઈ આચાર્ય, નલીન તન્ના, ભાસ્કરભાઈ પારેખ, સુનીલ વોરા, ભનુભાઈ રાજગુરુ, હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, મહેશભાઈ જીવરાજાની, પ્રદીપભાઈ જાની, હિતેષ ખુશલાણી, ધર્મેશ રાયચુરા, રમેશ શીશાંગીયા, પરિમલભાઈ જોષી, હીરેનભાઈ લાલ, જીતુભાઈ ગાંધી, અશ્ર્વિન ચૌહાણ, ડો. હાર્દિક દોશી, પંકજ રૂપારેલીયા, જયેન્દ્રભાઈ મહેતા, નયન ગંધા, નૈષધભાઈ વોરા, કિશોર ટાકોદરા, ઉર્વીશ વ્યાસ, હિતેશભાઈ ખખ્ખર, દક્ષિણભાઈ જોશી સહિતના સેવાભાવીઓ કાર્યરત છે.



