કાર્તિક મહેતા
વડાપ્રધાન મોદીજી અત્યારે થાઇલેન્ડ પ્રવાસ ઉપર છે. થાઇલેન્ડ અમુક કારણોસર ઘણું કુખ્યાત થયું છે પરંતુ તે એક નિતાંત સુંદર દેશ છે. કુદરતે આ દેશ ઉપર ખૂબ મહેર વરસાવી છે. આ દેશમાં એકદમ સમ માત્રામાં વરસાદ પડે છે. બારેમાસ આ દેશનું તાપમાન એકદમ સામાન્ય રહે છે. યુરોપ જેવી કાતિલ ઠંડી કે આફ્રિકા અને ભારતમાં પડે એવી ભયાનક ગરમી ત્યાં નથી પડતી. ફિલ્મો અને મીડિયામાં સતત પ્રચારને કારણે આ સુંદર દેશમાં જતા લોકો કરતા યુરોપ જતા લોકોની સંખ્યા હમણાં સુધી વધારે હતી પણ જેમ લોકોને જાણ થતી ગઈ એમ એમ થાઇલેન્ડ પ્રવાસે જતાં ભારતીયોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. દેહ વિક્રય (પ્રોસ્ટિટ્યુશન) ના દૂષણને અવગણો તો આ દેશ ખરેખર ફરવા જેવો છે. ત્યાં સ્વચ્છતા યુરોપના દેશોની તોલે આવે એટલી છે. આપણાં દેશને આપણે “સોનેકી ચિડિયા” કહેતા આવ્યા છીએ પણ આ થાઇલેન્ડ ખરેખર સુવર્ણ ભૂમિ છે. થાઇ લોકો પોતાના દેશને સુવર્ણ ભૂમિ કહેતા આવ્યા છે. થાઈલેન્ડ નામ લગભગ 1940 આસપાસ અપનાવવામાં આવ્યું છે. થાઇ એટલે “સ્વતંત્ર વ્યક્તિ” થાઇલેન્ડ એટલે સ્વતંત્ર લોકોનો દેશ. પણ વાસ્તવિકતા એ છે કે થાઇલેન્ડમાં અયોધ્યા નામની નગરી છે ત્યાં ઇસ્ટ ઇન્ડીયા કંપની એ સહુથી પહેલી ફેકટરી સ્થાપી હતી. ભારતમાં આવતા પહેલા ઇસ્ટ ઇન્ડીયા કંપની ઈન્ડોનેશિયા અને થાઇલેન્ડ આવી હતી. ત્યારબાદ ભારતમાં પ્રવેશી હતી. થાઇલેન્ડ માં રાજાશાહી ભલે શાસન પદ્ધતિ નથી છતાં રાજાનું માન સમ્માન એટલું બધું છે કે પ્રજા ત્યાંના રાજાને રીતસર પૂજે છે. રામાયણ (એમની ભાષામાં રામ કિયેન એટલે કે રામ કહાણી) ત્યાં સતત પુસ્તકોથી લઈને ફિલ્મો સુધી ભજવાતી અને જીવાતી રહે છે. રાજાનું નામ રામ છે. અત્યારે રામ નવમા નું શાસન છે. થાઇલેન્ડ નું જૂનું નામ સિયામ હતું જે મૂળ શબ્દ શ્યામ એટલે કે કાળો પરથી હતું. થાઇલેન્ડમાં વસતી એક પ્રમાણમાં શ્યામ વર્ણી પ્રજા ઉપરથી એમનું નામ સિયામ એવું પડેલું કહેવાય છે. થાઇલેન્ડમાં સ્ત્રીઓ ઐતિહાસિક રીતે ખૂબ જ સ્વતંત્ર રહી છે. સ્ત્રીઓને ત્યાં “આબરૂ સાચવવાનું સાધન” ગણવામાં નથી આવતી.
- Advertisement -
આથી જૂના સમયમાં સ્ત્રીઓ ત્યાં (અને ઈન્ડોનેશિયા જેવા બીજા દેશોમાં) ઉપરનું વસ્ત્ર (બ્લાઉઝ, ચોળી, દુપટ્ટો, બ્રેસિયાર વગેરે) નહોતી પહેરતી. પુરુષોને પણ ત્યાંના સમ વાતાવરણ ને લીધે ખુલ્લા શરીર ફરવું ઘણું અનુકૂળ હતું. આથી આપણા દેવી દેવતાઓ નું ચિત્રણ પણ એવું થયું છે જેમાં માપસર વસ્ત્રો એમણે ધારણ કર્યા હોય. ભારતની ઋતુઓ જોતા અહીંયા રેશમના વસ્ત્રો અનુકૂળ નથી. પરંતુ આપણા દેવી દેવતાઓ રેશમી વસ્ત્રો પહેરે છે. કેમકે થાઇલેન્ડ ની અંદર એકદમ સમ વાતાવરણ હોવાથી ત્યાં રેશમી વસ્ત્રો પહેરવા એકદમ અનુકૂળ છે. ભારતમાં સુતરાઉ અને ઉની વસ્ત્રો ઋતુ અનુસાર પહેરવા પડે છે. દેવો ની પ્રતિમાઓ અને ચિત્રોને બહુ ઓછાં કેસિસમાં દાઢી મૂછ હોય છે તે પણ આ થાઇલેન્ડ નો પ્રભાવ . કેમકે ત્યાં પુરુષોને ભારતીય લોકો જેવા ઘેઘૂર દાઢી મૂછ ઉગતા નથી. કહેવાય છે કે ઋષિ અગસ્ત્ય અગ્નિ એશિયાના દેશોમાં ગયેલા અને એમણે ત્યાં બ્રાહ્મણ ધર્મ પ્રસાર કર્યો હતો. પરંતુ અંગ્રેજ વેપારીઓને ખબર પડી કે ભારતીયો ત્યાંથી મસાલા લઈને યુરોપમાં વેચે છે તો તેઓ લગભગ સત્રમી સદીના અંતમાં પોતે જ થાઇલેન્ડ અને ઈન્ડોનેશિયા પહોંચી ગયા અને ત્યાંથી મસાલા વેપાર કરવા લાગ્યા. ભારતમાં અંગ્રેજો પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે સુરોખાર મેળવવા આવેલા. આ સુરોખાર વિસ્ફોટક દારૂગોળો બનાવવા માટે અનિવાર્ય છે. ભારતીયોને આ સુરોખાર બનાવવાની વિધિ જાણ હતી આથી અંગ્રેજો અહીથી સુરોખાર લઈને યુરોપમાં વેચતા. આમ ભારતથી એમની મુખ્ય નિકાસ મસાલા નહિ પણ સુરૌખાર અને અફીણ હતા. અફીણ તેઓ ચીનમાં પધરાવતા. થાઇલેન્ડ ગયેલા આ અંગ્રેજ વેપારીઓ સાથે થાઇ સ્ત્રીઓ દુભાષિયા તરીકે કામ કરતી . આ સ્ત્રીઓ “ડીકશનરી” કહેવાતી. સ્ત્રીઓ સ્વતંત્ર હતી આથી આ સ્ત્રીઓ થકી અંગ્રેજોને થયેલા બાળકો યુરેશિયન કહેવાયા. અંગ્રેજો થાઇલેન્ડ થી બંગાળ પહોંચ્યા અને ફોર્ટ વિલિયમ તરીકે કલકત્તા નામનાં ગામડાને શહેર તરીકે વિકસાવ્યું. આમ, કોલકાતા અંગ્રેજોનું પ્રથમ પાટનગર, સુપ્રીમ કોર્ટ નું કેન્દ્ર બન્યું. થાઇલેન્ડની અયોધ્યા (અયુથ્યા) થી એંસી નેવું કિમી દૂર બેંગકોક છે કે જે એક સામાન્ય ગામ હતું પણ આ નગરનો વિકાસ પણ અંગ્રેજ સમયમાં થયો. સ્ત્રીઓના સ્વતંત્ર સ્વભાવને લીધે ત્યાં દેહ વિક્રય સામાન્ય ગણાયો. પણ આ વ્યવસાયને લીધે આ સુંદર અને ઐતિહાસિક દેશની ખરી ઓળખ ઓઝપાઈ ગઈ છે. થાઇલેન્ડ એક પ્રાચીન અને રમણીય દેશ છે. ભારતનો સાચો ઇતિહાસ ત્યાં ધરબાયેલો છે. ઇન્ડોનેશિયન ભાષામાં પશ્ચિમને “બારત” કહે છે.



