આગામી 15મી ઓગષ્ટને ધ્યાનમાં લઈ એરપોર્ટ ઓથોરિટી અને એસ.ઓ.જી. દ્વારા સંયુક્ત કામગીરી : તંત્રમાં દોડધામ : અંતે મોકડ્રીલ જાહેર
રાજકોટ નજીક આવેલા હિરાસર એરપોર્ટમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાનું કોલ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં અંતે મોકડ્રીલ હોવાનું જાહેર કરાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કામગીરી એરપોર્ટ ઓથોરિટી અને એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
એસ.ઓ.જી.ના જણાવ્યા મુજબ, ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ, 2024 તથા સ્વતંત્રતા દિવસ 15 ઓગષ્ટને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા તથા રાજકોટ એરપોર્ટ ઓથોરીટી દ્વારા આતંકવાદી હુમલાઓ સામે તકેદારીના ભાગ રૂપે તથા કાર્યક્ષમતા અને ઓપરેશનલ સજ્જતાને ચકાસવા માટે ટેરેરિસ્ટ એટેક એટ સિટી સાઈડ થીમ આધારીત મોકડ્રીલનું આયોજન કરવા જણાવેલ હોય.
જે અનુસંધાને ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહીલ, ભરત બી.બસીયા દ્વારા એસ.ઓ.જી. શાખા, ક્યુ.આર.ટી. (ક્વીક રીસ્પોન્સ ટીમ), બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સાથે રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન પોઇન્ટ ખાતે મોકડ્રીલનું આયોજન કરવા સુચના અપાઈ હતી.
જેમાં રાજકોટ શહેર ખાતે આવેલ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જે વાઇટલ ઇન્સ્ટોલેશન હોય અને અવાર નવાર એસ.ઓ.જી.શાખા દ્વારા વાઇટલ ઇનસ્ટોલેશન ચેક કરવામાં આવતા હોય અને રાજકોટ શહેરમાં આવેલ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં આંતરીક સુરક્ષાના ભાગ રૂપે તકેદારી રાખવી ખુબ જ જરૂરી હોય.
- Advertisement -
જેથી ભવિષ્યમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી મોકડ્રિલ યોજાઈ હતી. એસ.ઓ.જી. શાખાના પીઆઈ ડી.સી. સાકરીયાના, એસ.ઓ.જી. શાખાનો સ્ટાફ અને ક્યુ.આર.ટી.ની ટીમ દ્વારા સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ હતું.
જે મોકડ્રીલમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના સીઆઈએસફ ના સ્ટાફ દ્વારા (મોકડ્રીલના ભાગ રૂપે) એક શંકાસ્પદ ગાડીમાં અમુક શખ્સ એરપોર્ટની બહારથી અંદર પ્રવેશ કરવા માટે બેરીકેટ તોડી અંદર એક ગાડીમાં પ્રવેશ કરેલ જેઓ હથીયાર સાથે મોઢે રૂમાલ બાંધેલ હાલતમાં હોય જેઓને રોકતા રોકાયેલ ન હોય અને તેઓ એરપોર્ટ તરફ આગળ વધેલ હોય જેઓને અટકાવતા સામ સામે ફાયરીંગ કરવામાં આવેલ જેને સીઆઈએસએફ ના ગાર્ડ દ્વારા રોકવા પ્રયત્ન કરવામાં આવેલ તેમજ આ બનાવ સંદર્ભે રાજકોટ શહેર એસ.ઓ.જી.શાખાને જાણ કરવામાં આવેલ.
જેથી રાજકોટ શહેર એસ.ઓ.જી શાખા તથા બી.ડી.ડી.એસ. તથા ડોગ સ્કોડ તથા ક્યુ.આર.ટીની ટીમો તાત્કાલીક ત્યાં પહોચી સંકલનમાં રહી આ શંકાસ્પદ આતંકવાદીઓ ને આંતરેલ જેથી બે આતંકવાદીઓ પાર્કીંગના ભાગે તેમજ બે પાર્કીંગમાં આવેલ શૌચાલયમાં ઘુસી ગયેલ.
જેમાં શૌચાલયમાં ઘુસેલ બે આતંકવાદીઓ પૈકી એસ.ઓ.જી.શાખા/ક્યુ.આર.ટી. દ્વારા એક આતંકવાદીને ઠાર મારવામાં આવેલ તેમજ એક ને જીવતો પકડી પાડવામાં આવેલ.
જ્યારે પાર્કિંગમાં ઘુસેલ આતંકવાદીઓને સીઆઈએસફની ટીમ દ્વારા ઠાર મારવામાં આવેલ તેમજ આતંકવાદીઓની ગાડીમાં રહેલ વિસ્ફોટક પદાર્થોને રાજકોટ શહેર બી.ડી.ડી.એસ. ટીમ દ્વારા ચેક કરી ડીફ્યુઝ કરી નાખવામાં આવેલ. આમ સફળ મોકડ્રિલ યોજાઈ હતી.
આ તકે, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર (ઝોન -01), ઉપ કમાન્ડટ સીએએસઓ અમનદીપ સિરસવા (સીઆઈએસએફ), એસ.ઓ.જી. શાખાના પીઆઈ ડી.સી. સાકરીયા, એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈએ જે એસ. ગામીત, એસ.ઓ.જી. શાખા, ક્યુ.આર.ટી., બી.ડી.ડી.એસ., ડોગ સ્કોડ રાજકોટ શહેર તથા સીઆઈએસએફના અધિકારી, કર્મચારીઓ ફરજ પર રહ્યા હતા.