પ્રથમ સિઝનના અંતમાં જ આપણને નેકસ્ટ સિઝનના સિનોપ્સીસ દેખાડવામાં આવે છે એટલે એ તય છે કે બહુ જલ્દી તનાવની બીજી સિઝન પણ સોની લિવના ઓટીટી પ્લેટફોર્મ પર મૂક્વામાં આવશે
કાશ્મીર, 2017: પાકી શંકાના આધારે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડની સ્પેશિયલ ટીમ દૂઆ-સલામ કરતાં ચાલ્યા જતાં પ્રોફેસરને આંતરીને ઈન્વેસ્ટીગેશન માટે લઈ જાય છે અને ઉચ્ચ ઓફિસરની મેચ્યોર્ડ પૂછપરછમાં પ્રોફેસર માત્ર એટલું કહે છે કે, ઉંમર રિયાઝ ઉર્ફે પેન્થર હજુ જીવે છે… સ્પેશિયલ સ્ક્વોડ માટે તો જાણે બોમ્બ ફૂટયો કારણકે ઓફિશ્યિલ રેકોર્ડ પ્રમાણે તો ઉંમર રિયાઝ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોય છે.
- Advertisement -
પેન્થર તરીકે ઓળખાતો ઉંમર રિયાઝ કાશ્મીર માટે જિહાદ ચલાવતો બંદો છે અને સ્પેશિયલ સ્ક્વોડના જ ઓફિસર કબીર ફારૂકીની ગોળીનું એ નિશાન બન્યો હોય છે, ભૂતકાળમાં. આતંક્વાદને કંટ્રોલ કરવા માટે કામ કરતાં સંસ્થાનો અને સરકાર પણ એ ઈન્ફર્મેશનથી ચોંકી જાય છે કે ઉંમર રિયાઝ જીવે છે… તરત જ એટીએસની કામગિરી છોડી ચૂકેલાં કબીર ફારૂકીનો સંપર્ક કરવામાં આવે છે અને તેને ઓપરેશન- પેન્થર માં સામેલ કરવામાં આવે છે… ઓફિસર કબીર ફારૂકીનું ઢપણે માનવું છે કે (જો) ઉંમર રિયાઝ જીવતો છે (તો) એ ચોક્કસ તેના નાના ભાઈના નિકાહમાં ઉપસ્થિત થશે જ.
– અને નિકાહ પ્રસંગે એટેક કરવા માટે એટીએસની ટીમ રૂપરેખા તૈયાર કરીને (નિકાહમાં) સામેલ થઈ જાય છે પણ…
ખૂબ જ અલગ મૂડમિજાજની ફિલ્મો આપનારા તરીકે જાણીતા દિગ્દર્શક સુધીર મીશ્રા (યે સાલી જિંદગી, ખોયા ખોયા ચાંદ, ચમેલી, ઈસ રાત કી સુબહ નહીં) અને સચીન ક્રિશ્નએ ડિરેકટ કરેલી તનાવ વેબસિરિઝની પ્રથમ પંદર મિનિટની આ કથા છે. સ્વાભાવિક છે કે તનાવની પહેલી સિઝનના છ એપિસોડ એકદમ તણાવગ્રસ્ત જ બનવાના છે અને બન્યાં પણ છે કારણકે એ ખૂબ વખણાયેલી ઈઝરાયેલી ટીવી સિરિઝ ફૌદાની એશિયન રિમેક છે એટલે કે ફૌદામાં પેલેસ્ટાઈન છે, એ તનાવ માં કાશ્મીર છે. ફૌદા ની ઓરિજિનલ કહાણીને આપણા અધીર ભટ્ટ અને ગગનસિંહ સેઠીએ અત્યંત ખુબસુરતીથી ભારતીય વાતાવરણમાં ઢાળી છે એટલે મની હાઈસ્ટ પાછળ ઘેલાં થઈ ગયેલાં ચાહકોએ ફૌદા ન જોઈ હોય તો તનાવ તેને જરૂરથી ઉત્તેજીત કરશે.
દરઅસલ, ફૌદા એક અરેબિક શબ્દ છે, જેનો અર્થ થાય છે : કેઓસ. અવ્યવસ્થા, અરાજક્તા… દરેક દેશની સિસ્ટમમાં કે સિસ્ટમને કારણે કે સિસ્ટમ સામે એક પ્રકારનો અભાવ, અજંપો અને આક્રોશ લબકારાં લેતો હોય છે અને એ અરાજક્તા ફેલાવવામાં નિમિત્ત પણ બનતો હોય છે. ફૌદા અને તનાવ તેની વાત કરે છે.
- Advertisement -
સિઝનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તેનું મોટા ભાગનું શૂટિંગ કાશ્મીરમાં જ થયું છે
ફૌદાની તો ચાર સિઝન બની ચૂકી છે અને તેણે આંતરરાષ્ટ્રીય પ્રશંસા પણ મેળવી છે. ભારતના પ્રોડકશન હાઉસ એપલોઝ એન્ટરટેન્મેન્ટે તેના ઓફિશ્યિલ રાઈટસ લઈને તનાવ વેબસિરિઝ બનાવી છે. પ્રથમ સિઝનના અંતમાં જ આપણને નેકસ્ટ સિઝનના સિનોપ્સીસ દેખાડવામાં આવે છે એટલે એ તય છે કે બહુ જલ્દી તનાવ ની બીજી સિઝન પણ સોની લિવ ના ઓટીટી પ્લેટફોર્મ પર મૂક્વામાં આવશે.
રહી વાત તનાવ ની પહેલી સિઝનની.
આ સિઝનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તેનું મોટા ભાગનું શૂટીંગ કાશ્મીરમાં જ થયું છે. કાશ્મીરી બજારમાં થતું ફાયરિંગ, કિડનેપિંગ, ભાગાદોડી જોવામાં ખરેખર એક નવો જ રોમાંચ મળે છે. વેબસિરિઝનું ક્ધટેન્ટ તો પાવરફૂલ છે જ, પણ રજત કપૂર, અરબાઝ ખાન, માનવ વીજ, ઝરીના વહાબ જેવા જાણીતા એકટર્સના પરફોર્મન્સીસ પણ કાબિલે દાદ છે. ખાસ ઉલ્લેખ કબીર ફારૂકીનું પાત્ર ભજવતાં માનવ વીજ અને કાશ્મીરી અભિનેતા સુમિત કૌલનો કરવો પડે. સુમિત કૌલ તનાવ માં ઉંમર રિયાઝ પેન્થરના પાત્રમાં છે અને તેણે કમાલ કરી છે તો માનવ વીજ (લાલસિંહ ચઢા, સમ્રાટ પૃથ્વીરાજ, ભારત, અંધાધૂંધ) સ્પેશિયલ સ્ક્વોડના ધૂંધવાયેલાં ઓફિસર તરીકે પરફેકટ છે. આ લખનારને તો માનવ વીજની સ્ક્રીન પ્રેઝન્સ સતત અનુરાગ કશ્યપની યાદ અપાવતાં રહ્યા હતા પણ અંગત માન્યતાઓને છોડી દઈએ તો તનાવ ના મોટાભાગના પરફેકટ કાસ્ટીંગ માટે કાસ્ટીંગ ડિરેકટર મુકેશ છાબરાના કામને બિરદાવવું પડે. પરફેકટ કાસ્ટીંગ, સયંમિત એકટિંગ, કાશ્મીરનું લોકાલ અને ઓરિજિનલી સ્ટ્રોંગ (ફૌદાની) કહાણી… તનાવ ને એક ઉત્તમ વેબસિરિઝ બનાવે છે.
તમે કારણ વગરની ગેંગવોર અને મારધાડવાળી વેબસિરિઝને પસંદ કરતા હો તો તનાવ વેબસિરિઝ સાર્થક એન્ટરટેન્મેન્ટ છે, એમાં કોઈ શંકા રાખશો નહીં.
મોનિકા, ઓ માય (ડેડલી) ડાર્લિગ
એક મહિલા અલગ-અલગ ત્રણ પુરુષોને કહે કે, હું તારા થકી પ્રેગનન્ટ છું તો અને ત્યારે શું થાય ? સિચ્યુએશન હજુ જરા કલિયર કરીએ. એ ત્રણમાંથી એકેય પુરુષ એ બાળકનો બાપ બનવા રાજી નથી કારણકે કરોડપતિનો ઐય્યાશ દીકરો આ રીતે બંધાવા માંગતો નથી. બીજો પુરુષ તો કરોડપતિ શેઠની દીકરી સાથે લગ્ન કરવાનો છે અને ત્રીજો પુરુષ સ્વયં પરણેલો અને બચરવાળ છે…
… અને મોનિકાના બ્લેક મેઈલિંગનો તો આજીવન અંત નહીં આવે એ જાણતાં ત્રણેય (મને-કમને) નક્કી કરે છે કે મોનિકાનું કાસળ કાઢી નાખવું, એ જ કાયમી ઉકેલ છે.
નેટફલિક્સ પર સ્ટ્રીમ થયેલી રાજકુમાર રાવ, હૂમા કુરેશી, સિકંદર ખેર સ્ટારર મોનિકા, ઓ માય ડાર્લિંગ ફિલ્મ હળવાશનો, નવીનતાનો તડકો મારેલી સસ્પેન્સ-થ્રિલર છે. અહીં હત્યા કરનારા પરફેકટ પ્લાનિંગ કરે છે પણ બને છે એકદમ અવળું, હત્યા કરવા નીકળનાર જ મરવા લાગે છે અને ખબર નથી પડતી કે ખરેખર કાતિલ કોણ છે…
મર્દ કો દર્દ નહીં હોતા જેવી ફિલ્મ બનાવનારા અને 83 જેવી ફિલ્મના સ્ક્રીપ્ટ રાઈટર વાસન બાલાની ફિલ્મ મોનિકા, ઓ માય ડાર્લિંગ તેના ટાઈટલની જેમ જુદી રીતે ડિઝાઈન થયેલી છે. રાજકુમાર રાવને તેની ઈમેજમાં ફીટ બેસે તેવું જ કિરદાર મળ્યું છે તો સિકંદર ખેર વાર્તાને વળ ચડાવી જાય છે. હુમા કુરેશી (મોનિકા) આ ફિલમનો સેન્ટર પોઈન્ટ છે અને એ માદક, ભરાવદાર તેમજ શંકાસ્પદ લાગતી રહે છે. જુદા જ મિજાજની થ્રિલર-સસ્પેન્સ જોવાનો શોખ હોય તો ખરેખર મોનિકા, ઓ માય ડાર્લિંગ (કાંરવા ફિલ્મનું ગીત, 1971) એક મજેદાર ફિલ્મ છે.