ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં દિન પ્રતિદિન ખંડણી તેમજ છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ મોરબીના એક ઉદ્યોગપતિ પાસેથી ખંડણી માટે ધમકી આપી હોવાની ઘટના સામે આવી હતી ત્યાં ફરી એકવાર મોરબીના શિક્ષણ જગતના અગ્રણીના પુત્રને ઉપાડી જવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. હાલમાં એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવા તજવીજ શરુ કરી છે અને એલસીબી, એ ડિવિઝન સહિતની પોલીસ ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યો છે.
મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા અને નવજીવન સ્કૂલના સંચાલક અતુલભાઈ પાડલીયાના પત્ની કિંજલબેનના મોબાઈલ પર શુક્રવારના રોજ કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને હિન્દી ભાષામાં ધમકી આપી હતી જે બાદ કિંજલબેને ફોન કાપી નાખ્યો હતો ત્યારબાદ આ અજાણ્યા શખ્સે કિંજલબેનના વોટ્સએપ નંબર પર કિંજલબેન અને તેના પુત્રનો ફોટો મોકલ્યો હતો અને હિન્દીભાષી શખ્સે વોટ્સએપમાં ફોન કરીને કહ્યું હતું કે, મુંબઈ સે બોલ રહા હું, તેરે લડકે કા ફોટા આ ગયા હૈ, ઉસકી પુરી ડિટેઈલ આ ગઈ હૈ, આજ રાત તક તેરે બેટે કો ઉઠા લેંગે… તેવો ફોન આવ્યા બાદ કિંજલબેને આ ઘટનાની પોતાના પતિને જાણ કરી હતી જેથી અતુલભાઈ પાડલીયાએ આ સમગ્ર ઘટના અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એલસીબી સહિતની પોલીસ ટીમોએ સતર્કતા દાખવી તુરંત જ આરોપીઓના કોલ ટ્રેક કરવા સહિતની તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ આરોપી દ્વારા પણ વારંવાર વોટ્સએપ પર ફોન કરી સંપર્ક કરવાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ અંગે મોરબી એલસીબી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ટેક્નિકલ ટીમની મદદ લઈ આરોપીઓનું લોકેશન મેળવવા તેમજ આ કોઈ પ્રોફેશનલ ગેંગ છે કે અગાઉ જેમ માત્ર ટાર્ગેટ કરી રૂપિયા પડાવતી ગેંગ છે તે અંગે તપાસ શરુ કરી છે.