બેટ્સમેનોનો ફ્લૉપ શૉ
સેમિ ફાઈનલની આશા ધુંધળી : ભારતના 110/7 સામે ન્યૂઝિલેન્ડના 14.3 ઓવરમાં 111/2
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય ટીમ નાલેશીભરી શરણાગતિ સાથે ન્યૂઝિલેન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપની સુપર 12 મેચમાં 33 બોલ બાકી હતા, ત્યારે આઠ વિકેટથી હાર્યું હતુ. ભારતીય બેટસમેનોનો ધબડકો થયો હતો અને ટીમ ઈન્ડિયા નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે માત્ર 110 રન જ કરી શકી હતી. જવાબમા ન્યૂઝિલેન્ડે 14.3 ઓવરમાં જ બે વિકેટે 111 રન કરતાં મેચ જીતી લીધી હતી. આ સાથે ભારત સુપર-12માં સળંગ બીજી મેચમાં હાર્યું હતુ.
અગાઉ પાકિસ્તાન સામે ભારતનો 10 વિકેટથી પરાજય થયો હતો. હવે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની ભારતની આશા ધુંધળી બની છે. ટોસ ગુમાવ્યા બાદ ભારતની શરૂઆત સારી રહી નહતી. કિશન 4, રાહુલ 18, રોહિત 14, કોહલી 9 રને આઉટ થતાં ભારતનો સ્કોર 48/4 થઈ ગયો હતો. પંતે 12, હાર્દિક પંડયાએ 23 અને જાડેજાએ અણનમ 26 રન ફટકારતાં પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. બોલ્ટે ત્રણ અને સોઢીએ 17 રનમાં બે વિકેટ ઝડપી હતી. સોઢી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જવાબમાં ન્યૂઝિલેન્ડે 14.3 ઓવરમાં જ બે વિકેટે 111 રન કરતાં જીત હાંસલ કરી હતી. મિશેલ 49 રને બુમરાહનો શિકાર બન્યો હતો. વિલિયમસન 33 રને નોટઆઉટ રહ્યો હતો. તેની સાથે કોન્વે બે રને ક્રિઝ પર હતો.