200 જેટલાં શિક્ષકો પાસેથી 7થી 8 હજાર ઉઘરાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો પાસેથી ઘઙજ એટલે કે ઓલ્ડ પેન્શન યોજનાના નામે ગેરકાયદે લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજકોટ શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને તેમના મંડળના હોદ્દેદારો દ્વારા ઘઙજ – ઓલ્ડ પેન્સન સ્કીમના આંદોલનમાં ભાગ લેવા તેમજ સ્વનિધિ ભંડોળના નામે શિક્ષકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે શિક્ષણ સમિતિ અને ચેરિટી કમિશનરમાં અરજી થયાનું પણ કહેવાઈ રહ્યું છે. આટલું જ નહીં જૂની પેન્શન યોજનાના કેમ્પમાં તેઓને જ લાભ મળ્યો જેઓએ શિક્ષક સંઘ સાથે સાત-આઠ હજાર રૂપિયા આપી સેટિંગ કર્યું! આ પ્રકારે આશરે 200 શિક્ષકો પાસેથી 14-15 લાખનું ઉઘરાણું થયું હોવાનું ચર્ચાઈ છે.
ગુજરાતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટે ગાંધીનગર ખાતે કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ શિક્ષણ સમિતિએ પણ ભાગ લીધેલ હતો અને તેમાં ભાગ લેવા માટે શિક્ષણ સમિતિ રાજકોટમાંથી 4થી 5 વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હતા. તેમાંથી 3 વ્યક્તિ તો શિક્ષણ સંઘના સભ્ય હતા અને એક સમિતિના જૂનિયર ક્લાર્ક વિજય જોશી હતા, જેને કાયમ પોતાના ટેબલની કોઈ કામગીરી કરવામાં રૂચી હોતી નથી અને પોતાનું દરેક કામ શાળાના શિક્ષકો પાસે જ કરાવે છે એટલે તેમને માત્ર સમિતિના નામ પૂરતા જ મોકલવામાં આવ્યા હતા.
અત્રે રાજકોટ શિક્ષણ સમિતિમાંથી અંદાજીત 250 જેટલા કેસો રજૂ કરવામાં આવ્યા હતા અને દરેક લાભાર્થી દીઠ શિક્ષક સંઘ દ્વારા છૂપી રીતે 7000થી 8000 જેટલી રકમ ઉઘરાવવામાં આવી હતી. આ વહીવટ કરવા માટે જે સહમત થયા તેવા 200 જેટલા શિક્ષકોના જૂની પેન્શન યોજના માટેનો લાભ આપવામાં આવ્યો અને જે વિરોધ કર્યો તેવા 50 જેટલા શિક્ષકોના કેસ ગમે તે કારણો દર્શાવી રીજેક્ટ કરવામાં આવ્યા છે. જોવાની વાત એ રહી કે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક ઓફીસ ખાતે પણ આ રકમમાંથી મોટો આર્થિક વહીવટ કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ છે જેથી જ માત્ર 48 કલાકમાં જ 200 જેટલા માતબર કેસોની બારીકાઇથી ચકાસણી કરી રજાના દિવસમાં પણ મંજૂર કરી આપવામાં આવ્યા છે. આ જ નિયામક ઓફીસ ગેરરીતિ કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે મહિનાઓ સુધી માત્ર એક પત્રનો જવાબ આપવામાં પણ ઉણી ઉતરતી નથી.
- Advertisement -
શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા જૂની પેન્શન યોજનો લાભ આપવાના બહાને આશરે 14-15 લાખ જેટલી માતબાર રકમનો વહીવટ થયો હોવાનું સમિતિના સભ્યોમાં ચર્ચાઈ રહ્યું છે. જેમાંથી કામ કરનાર બ્રાન્ચના ક્લાર્ક, પ્રાથમિક શિક્ષણ મંડળના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના કર્મચારીઓને મોટો હિસ્સો મળ્યો હોવાની ચર્ચા છે. આ અગાઉ પણ શિક્ષક સંઘ પર શિક્ષકો પાસેથી સભ્ય બનવા, જમણવાર યોજવા, કાર્યક્રમ કરવા વગેરેના નામે અવારનવાર પૈસા ઉઘરાવવામાં આવતા હોવાનો અને કોઈ જ હિસાબ રજૂ કરવા કે ઓડિટ ન કરતા હોવાનો આક્ષેપ પણ લાગી ચૂક્યો છે.