“રાષ્ટ્રીય શિક્ષક દિન” નિમિત્તે “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”થી શિક્ષકોનું સન્માન કરતા મંત્રી રાદડિયા
રાજકોટ તારીખ ૫ સપ્ટેમ્બર – “રાષ્ટ્રીય શિક્ષક દિન” નિમિત્તે મંત્રી જયેશભાઇ રાદડિયાએ રાજકોટ ખાતે વિવિધ કક્ષામાં શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”નું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રાદડિયાએ જણાવ્યું હતું કે, ચારિત્ર્યવાન નાગરિકોનું નિર્માણ કરતા શિક્ષકો અભિનંદનના અધિકારી છે. વિદ્યાર્થીઓની કારકિર્દીને યોગ્ય દિશાદર્શન કરાવતા શિક્ષકો આડકતરી રીતે રાષ્ટ્રની પ્રગતિનો પંથ નિર્માણ કરે છે. મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં શિક્ષકોનું બહુમૂલ્ય પ્રદાન છે. રાજ્ય સરકાર દ્વારા ચલાવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ કાર્યક્રમની અસરકારકતા રજૂ કરતાં મંત્રી રાદડિયાએ સમગ્ર રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું પણ જણાવ્યું હતું. અને પોતાના બાલ્યાવસ્થાના શિક્ષણના સંસ્મરણો તાજા કર્યા હતા.
- Advertisement -

મેયર પ્રદીપ ડવે પ્રાસંગિક પ્રવચનમાં ભાવિ પેઢીના ચારિત્ર્યનું નિર્માણ કરતા શિક્ષકોનો ઋણ સ્વીકાર કર્યો હતો, અને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા વહીવટીતંત્ર, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંયુક્તપણે ન્યૂ એરા હાઇસ્કુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી શુભારંભ થયો હતો. ન્યુ એરા સ્કૂલની છાત્રાઓએ પ્રાર્થનાગીત રજૂ કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રમાં રાજ્ય સરકારે કરેલી પ્રગતિ અંગેની ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તમામ આમંત્રિતોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
- Advertisement -
જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ડાભી શિલ્પાબેન , હીરાણી ભાવે બેન અને રામાણી આશિષભાઈને આમંત્રિતોએ એનાયત કર્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ આમંત્રિતોએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે એવોર્ડ વિનર શિક્ષકોએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા,જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.સરડવા, અગ્રણી વિનુભાઈ ધવા તથા સુરેન્દ્રસિંહ વાળા, ન્યુ એરા સ્કૂલના છાત્રો તથા શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.



