સત્યપ્રકાશ સ્કૂલના શિક્ષિકાને સસ્પેન્ડ કરો, કોંગ્રેસના વિદ્યાર્થી નેતાની ઉઊઘને રજૂઆત
રાજકોટમાં ધોરણ-2ના વિદ્યાર્થીને શિક્ષિકાએ ગાલ પર તમાચો મારતા સોજા ચડી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બાબતે વિદ્યાર્થીના વાલી તેમજ સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તાએ જિલ્લા શિક્ષણ અધિકારીને ઇ-મેલ મારફત લેખિત રજૂઆત કરી છે અને શિક્ષિકાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા માટે માગ કરવામાં આવી હતી. વોશરૂમ ગયેલો વિદ્યાર્થી પરત ફરતી વખતે દોડીને આવતા શિક્ષિકાએ ઢોરમાર માર્યાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આ ઘટના બાદ શાળાના પ્રિન્સિપાલનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, સાંજ સુધી હું સ્કૂલ ઉપર જ હતો પરંતુ, આ પ્રકારની ઘટના બની હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી છતાં તપાસ કરી લઉં.
વાલીએ જણાવ્યું હતું કે, મારો બાળક સત્યપ્રકાશ સ્કૂલમાં ધો-2માં અભ્યાસ કરે છે. આજે સાંજે તે વોશરૂમ જઈને દોડીને પરત આવતો હતો ત્યારે શિક્ષિકા રિદ્ધિ મેડમે ડાબા ગાલ પર 2થી 3 તમાચા મારી દીધા હતા, જેને લીધે મારા બાળકને ગાલ પર સોજા ચડી ગયા. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને ઈ-મેઇલ મારફત રજૂઆત કરી છે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે ઈ-મેઇલ મારફત જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં આવેલી સત્યપ્રકાશ ગુજરાતી પ્રાથમિક શાળામાં આજે ધોરણ-2માં અભ્યાસ કરતો બાળક લઘુશંકા કરી પરત દોડીને આવતા શિક્ષિકા મેડમે ગાલ ઉપર 3-4 તમાચા મારી દીધા હતા. જેને લીધે 8 વર્ષના બાળકના ડાબા ગાલ પર સોજા ચડી ગયા હતા. જેથી, આ પ્રકારે બાળકોને માર મારવામાં આવે તે કદાપી વ્યાજબી નથી. તેથી, શિક્ષિકાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.