ફૂડ વિભાગનું ઠેર-ઠેર ચેકિંગ : ખાણી-પીણીના ભેળસેળિયા વેપારીઓ સુધરવાના જ નથી!
હરિયોગી, રાજ ખોડલ અને શિવશક્તિ લાઈવ પફ સહિતનાઓ પાસેથી સેમ્પલ લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરને રંગીલુ ગણવામાં આવે છે, પરંતુ આ શહેરના ખાણી-પીણીના વેપારીઓ બેરંગી બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં અચકાતા નથી. વધુ નાણા કમાઈ લેવાની માનસિકતા અને લાલચ ધરાવતાં ભેળસેળીયા વેપારીઓ પર તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં શાસક પક્ષના તમામ સભ્યોએ શહેરીજનોના આરોગ્યના પ્રશ્ર્ને અધિકારીઓને આડા હાથે લીધા હતા અને ખાણી-પીણીમાં ભેળસેળ કરતાં વેપારીઓ પર તબાહી બોલાવવા મ્યુનિસિપલ કમિશનરને સૂચન કર્યું હતું જે અનુસંધાને આજે ફૂડ વિભાગની ટીમે 34 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં હરિયોગી, રાજ ખોડલ અને શિવ શક્તિ લાઈવ પફમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.

- Advertisement -
મનપાની ફૂડ વિભાગ ટીમે કુવાડવા રોડ, મોરબી બાયપાસ રોડ તેમજ યાજ્ઞિક રોડ પર આવેલ 34 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જેમાં કુવાડવા રોડ પર આવેલ હરભોલે પાણીપુરીમાંથી 1 કિલો વાસી લાલ ચટણી, 1 કિલો વાસી બટેટા, રાજ ખોડલ લાઈવ પફ એન્ડ બેકરીમાંથી 2 કિલો ચીઝ, 2 કિલો લાલ ચટણી, 1 કિલો સલાડ, રામદેવ ભેળ એન્ડ આઈસ્ક્રીમમાંથી 1 કિલો દહીંવડા અને બટેટા, બજરંગ પાણીપુરી 2 કિલો બટેટા, ન્યુ બજરંગ પાણીપુરીમાંથી 3 કિલો બટેટા, 1 કિલો ચટણી, 2 કિલો ડુંગળી, મોરબી બાયપાસ રોડ પર આવેલ શક્તિ ચાપડીઉંધિયુંમાંથી વાસી કાપેલા 3 કિલો શાકભાજી, મયુર ભજિયામાંથી 5 કિલો દાઝ્યુ તેલ, 2 કિલો લાલ ચટણી, યાજ્ઞિક રોડ પર આવેલ ફ્રેન્કીફ્રાયમાંથી 1 કિલો મન્ચ્યુરન, ફૂડ ડ્યૂડમાંથી વાસી બ્રેડનું 1 પેકેટ, ફ્રેન્કીનેશનમાંથી એક્સપાયરી ડેટવાળી 2 કિલો આલુટીકી, હેપ્પી ચાઈનીઝમાંથી 4 કિલો ડુંગળી અને કોબી સહિતની વસ્તુનું સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

જય વેલનાથ ઘુઘરા, બંસી વડાપાઉં, દાસકા ઢાબા, કેજીએન એગ્ઝ સેન્ટર, ક્રિસ્ટલ એગ્ઝ સેન્ટર, શ્રીરામ મદ્રાસ કાફે, ઋષિ ઢોસા, ગાયત્રી મદ્રાસ કાફે, ટેસ્ટી વડાપાઉં, જલારામ કોલ્ડ્રીંક્સ, વિક્રમભાઈ ચાવડા ફૂડ ઝોન, સત્યા મદ્રાસ કાફે, માય વેફલ ફેકટરી, ધ સેન્ડવીચ અડ્ડા, સોમનાથ પાન, વહીંરાજા પાઉંભાજી, અડગબમ, વેફલીંગ સ્ટેશન, 9834 ફૂડ જ્યુસ, ફ્રેવ પાર્ક, ફૂડ ઓરિઝ અને ફ્રેન્કી સ્ટેશન સહિતના ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.





