જામવાળા તથા થોરડી ગામ પાસેના બ્રિજ ઉપરથી પસાર થવું કઠિન હોય ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો
તાલાલા પંથકની પ્રજાને ઊના જવા બ્રિજની નજીક ડાઈવર્ઝન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.28
તાલાલા ગીરથી જામવાળા,ગીર ગઢડા,ઉના જતા સ્ટેટ હાઇવે-98 ઉપર થોરડી ગામમાંથી પસાર થતી સાંગાવાડી નદી ઉપર આવેલ માઈનોર બ્રિજ તેમજ જામવાળા ગીર પાસે શિંગોડા નદી ઉપર આવેલ મેજર પુલની ચકાસણી દરમિયાન બંને પુલની સ્થિતિ ખરાબ હોય ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાયે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક વ્યવસ્થા માટે તાલાલા ગીરથી માધુપુર ગીર,પ્રાંચી,કોડીનાર,ઉના રૂટ જાહેર કર્યો છે.બંને પુલ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકતા તાલાલા-જામવાળા-ગીર ગઢડા-ઉના વિસ્તારની પરિવહન સેવા ઠપ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.પરીવહન સેવા તથા શાળાકીય વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા બુલંદ લોક માંગણી ઉઠી છે.
તાલાલા તાલુકાના વાડલા ગીર ગામના યુવા સરપંચ ધવલભાઈ કોટડીયા તથા જાવંત્રી ગામના સરપંચ અલ્તાફભાઇ બ્લોચે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે તાલાલા ગીર તથા આંકોલવાડી ગીર વિસ્તારથી જામવાળા,ગીર ગઢડા,ઉના વિસ્તારની એસ.ટી તથા શાળાકીય વાહનોની પરિવહન સેવા ચાલુ રહે માટે જામવાળા ગીર અને થોરડી બંને ગામની નદીના નબળા પડી ગયેલ બ્રિજ ની બાજુમાં ડાઈવર્ઝન કરી વૈકલ્પિક રૂટ ચાલુ કરવો જોઈએ.તાલાલા થી ઉના તરફ જવા વૈકલ્પિક પરિવહન સેવા તરીકે માધુપુર ગીર,પ્રાંચી,કોડીનાર રૂટ આપવામાં આવેલ…આ રૂટ આંકોલવાડી ગીર વિસ્તારની પ્રજા તથા ખેડૂતો માટે ખૂબ જ લાંબો અને પૂરતી સુવિધા વગરનો છે જેનાથી તાલાલા અને આંકોલવાડી ગીર વિસ્તાર માટે આપવામાં આવેલ વૈકલ્પિક રૂટ વ્યવહારુ અને ઉપયોગી નથી…બંને ગામના પુલની મરામત માટે ઘણો સમય થાય ત્યાં સુધી તાલાલા અને આંકોલવાડી ગીર વિસ્તાર માટે આપવામાં આવેલ વૈકલ્પિક રૂટ ખુબજ લાંબો હોય આ રૂટ ઉપર જવું ખુબજ મુશ્કેલરૂપ બની જશે જેનું નિવારણ લાવવા જામવાળા અને થોરડી ગામના ડેમેજ બંને પુલોની બાજુમાં ડાઈવર્ઝન કરી પરીવહન તથા શાળાકીય વાહનોની અવરજવર માટે તુરંત વૈકલ્પિક વ્યવસ્થા કરવા પત્રના અંતમાં તાલાલા અને આંકોલવાડી વિસ્તારની પ્રજાવતી ધવલભાઈ કોટડીયા અને અલ્તાફભાઈ બ્લોચે માર્ગ અને મકાન વિભાગ સમક્ષમાંગણીકરીછે.