રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને માનવીય મૂલ્યોનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ટી.એન. રાવ કોલેજ દ્વારા દેશની સરહદો પર ફરજ બજાવતા સૈનિકો માટે રક્ષાબંધન નિમિત્તે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. કોલેજના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ દેશપ્રેમની ભાવના સાથે પોતાના હાથે બનાવેલા રક્ષાસૂત્રો અને હૃદયસ્પર્શી પત્રો સૈનિકોને મોકલીને તેમની બહાદુરી અને સમર્પણને બિરદાવ્યા હતા.
કોલેજના B.Com., B.B.A., B.C.A. A અને B.Ed.જેવા તમામ વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ સુંદર રંગબેરંગી રક્ષાસૂત્રો તૈયાર કર્યા હતા અને સાથે જ સૈનિકોને પ્રોત્સાહન, પ્રેમ, માન અને કૃતજ્ઞતાના સંદેશાઓથી ભરપૂર પત્રો લખ્યા હતા. આ પત્રોમાં વિદ્યાર્થીઓએ સૈનિકોના ત્યાગ અને બલિદાનને શબ્દોમાં વર્ણવીને તેમની હિંમત વધારવાનો પ્રયાસ કર્યો હતો. કોલેજના યુવા ટ્રસ્ટી ડો. તીર્થરાજ બારોટે આ શુભ પહેલ બદલ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી અને તેમને આવા રાષ્ટ્રીય કાર્યમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદના સાચા હીરો સુધી સમાજની પ્રેમ અને આદરની લાગણી પહોંચાડવાનો હતો. આ પહેલ દ્વારા કોલેજે સાબિત કર્યું છે કે રાષ્ટ્રપ્રેમ માત્ર શબ્દોમાં જ નહીં, પરંતુ કાર્યો દ્વારા પણ વ્યક્ત થવો જોઈએ.