ઉપલેટામાં ચાલુ વર્ષે 130%થી વધુ વરસાદ નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદમાં ધોવાઈ ગયેલા અનેક રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં થઈ ચૂક્યા છે ત્યારે રોડને તાત્કાલિક રીપેર કરીને મોટરેબલ કરવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તરફથી સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં આ મળેલી સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય, નગરપાલિકા તેમજ સ્ટેટ હાઈવેનું યુદ્ધના ધોરણે રિપેરિંગ ચાલી રહ્યું છે. આ કામ અંતર્ગત ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચનાઓ અનુસાર ઉપલેટા શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોમાં હાલ રોડના ખાડા પૂરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આ સિઝનમાં 130 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે જેમાં ઉપલેટામાં વર્ષ 1994 થી લઈને 2003 સુધીમાં દર વર્ષ સરેરાશ 830 મિલિમીટર એટલે કે 32.68 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 42.76 ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો છે જે સિઝનના 130 ટકાથી વધુ વરસાદ છે. અહીંયા અતિ ભારે વરસાદના કારણે ઉપલેટા નગરના અનેક માર્ગો ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. આ ખરાબ રસ્તા, ખાડા ખવડાવોની અનેક લેખિત ફરિયાદો પણ જવાબદાર તંત્રને કરવામાં આવી છે ત્યારે સ્થાનિક તંત્ર યોગ્ય કામગીરી ન કરતા ઉચ્ચ કક્ષાએ પણ ઘણી ખરી ફરિયાદો પહોંચાડવામાં આવી છે જો કે હાલ વરસાદે વિરામ લેતાં જ જીલ્લા માંથી મળેલ ઉચ્ચ કક્ષાની સૂચના મુજબ સ્થાનિક અને જવાબદાર તંત્ર હવે હરકતમાં આવી ગયું છે અને રસ્તાઓના ખાડા પૂરવા તેમજ તૂટેલી સાઈડ રિપેરિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે.