એક વર્ષમાં અપાયેલી બીયુ પરવાનગીઓમાં રજૂ થયેલી ફાયર એનઓસીની થશે ચકાસણી
પેરેડાઈઝ સિનેમાના કેસ પછી મહાનગરપાલિકા કમિશનરની કડક સૂચના
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં બોગસ ફાયર એનઓસી કાંડ સામે આવ્યા બાદ પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરે સૂચના આપી છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન અપાયેલી તમામ બીયુ પરવાનગીઓમાં રજૂ કરાયેલી ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવે. તાજેતરમાં પેરેડાઈઝ સિનેમા ખાતે બીયુ પરમિશન દરમિયાન ચકાસણી વખતે બોગસ ફાયર એનઓસી સામે આવતા તત્કાલીન લીડિંગ ફાયરમેન રાજીવ ગોહેલને ફરજમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. સાથે જ પેરેડાઈઝ સિનેમાનું બીયુ સર્ટિફિકેટ પણ હાલ પૂરતું સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ બનાવ બાદ કમિશનરને અનેક રજૂઆતો મળતા તેમણે તાત્કાલિક પગલાં લીધા છે. મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં જારી કરાયેલી તમામ બીયુ પરવાનગીઓની અંદર રજૂ કરાયેલી ફાયર એનઓસીનું વેરિફિકેશન કરવામાં આવશે. ચકાસણી પોરબંદર ફાયર વિભાગ તથા રાજકોટ ઝોનલ ઓફિસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરાશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જો ચકાસણી દરમિયાન ફાયર એનઓસી બોગસ નીકળશે તો સંબંધિત જવાબદાર સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પેરેડાઈઝ સિનેમા કેસ બાદ શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. અનેક ઇમારતો હજુ પણ બીયુ તથા ફાયર સર્ટિફિકેટ વિના ચલાવવામાં આવી રહી હોવાની ચર્ચા જોર પકડતા તંત્ર સામે સવાલો ઊભા થયા છે.



