મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
મંદિરના નામો સામાન્યત: દેવી-દેવતાનાં નામ પરથી રખાતાં હોવાની પ્રણાલી ચાલી આવે છે. પરંતુ આંધ્રપ્રદેશનાં અનંતપુર ખાતે સ્થિત લેપાક્ષી મંદિરની કથા બધાથી થોડીક અલગ છે. લેપાક્ષી એ તેલુગુ શબ્દ છે, જેનો અર્થ થાય છે, ઉઠ પંખી! રામાયણકાલીન પૌરાણિક માન્યતા મુજબ, રાવણ સાથેના યુધ્ધમાં જટાયુ નામક પક્ષી ઘાયલ થયા બાદ લેપાક્ષી મંદિરની ધરતી પર જોવા મળ્યો હતો, ત્યારથી જ આખું ગામ ‘લેપાક્ષી’નાં નામે ઓળખાય છે. સોળમી સદીમાં બનેલું આ કલાત્મક મંદિર એટલું બધું વિશાળ છે કે પ્રથમ વખત દર્શન કરવા ગયેલ ભક્તજન તેની ભૂલભૂલૈયામાં જ અટવાઈ જાય! મંદિરનાં પરિસરમાં ભગવાન શિવ, મહાવિષ્ણુ અને વીરભદ્રના ત્રણ મંદિરો આવેલા છે.
- Advertisement -
વિદેશી યાત્રાળુઓ લેપાક્ષી મંદિરને અંગ્રેજીમાં ‘હેંગિંગ પિલ્લર ટેમ્પલ’ના નામે ઓળખે છે. જમીનને અડક્યા વગરનો હવામાં ઝૂલતો સ્તંભ આ મંદિરનું વિશેષ આકર્ષણ છે. દરઅસલ, આખું મંદિર કુલ 70 સ્તંભોનાં ટેકા પર ઉભેલું છે, પરંતુ નવાઈની વાત એ છે કે 70માંથી ફક્ત 1 સ્તંભ એવો છે જેના પાયા હવામાં અદ્ધર લટકી રહ્યા છે. ભારે-ભરખમ વજન ધરાવતો સ્તંભ ઘણા વર્ષોથી કોઇ ટેકા વગર ઝૂલી રહ્યો છે, જેની પાછળનું રહસ્ય સૂલઝાવવામાં મોટા-મોટા પુરાતત્વશાસ્ત્રીઓ પણ નિષ્ફળ ગયા છે. બન્યું એવું કે ઝૂલતો સ્તંભ પણ પહેલા તો જમીન સાથે જ જોડાયેલો હતો પરંતુ એક બ્રિટિશ ઇજનેરને જીજ્ઞાસા થઈ કે આખું મંદિર વળી 70 સ્તંભો પર કઈ રીતે ઉભું રહી શકે!? પોતાની કૂતુહલવૃત્તિને પોષવા માટે તેણે મંદિરનાં એક સ્તંભને પાયામાંથી હચમચાવી નાંખ્યો. જેવો સ્તંભ પોતાની મૂળ સ્થિતિમાંથી સહેજ ખસ્યો કે તરત જ હવામાં ઝૂલવા માંડ્યો. બ્રિટિશ ઇજનેર દ્વારા તેને ફરી પોતાનાં સ્થાન પર ગોઠવવા માટે પુષ્કળ પ્રયાસો કરાયા પરંતુ કશું જ કારગત ન નીવડ્યું. એ દિવસથી મંદિરના એ સ્તંભ અને જમીન વચ્ચે એક પાતળી તિરાડ જેવડી જગ્યા ખાલી રહી ગઈ છે, જે ભક્તો માટે શ્રઘ્ધાનો વિષય બની ગઈ. દર્શનાર્થે આવનાર દરેક વ્યક્તિ સ્તંભ નીચે પોતાનાં ઘેરથી લાવેલ પવિત્ર કાપડનો ટુકડો પસાર કરીને દેવતાઓના આશિર્વાદ લે છે. તેઓ માને છે કે આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વધારો થાય છે!
સ્થાનિકવાસીનું કહેવું છે કે મંદિરનું નિર્માણ વર્ષ 1583માં વિજયનગર રાજાને ત્યાં કામ કરતાં બે ભાઇઓ વિરૂપન્ના અને વીરન્નાએ કરાવ્યું હતું. પરંતુ પૌરાણિક માન્યતા મુજબ, લેપાક્ષી મંદિરના પરિસરમાં આવેલ વીરભદ્ર મંદિરનું નિર્માણ ઋષિ અગત્સ્ય દ્વારા થયું છે! કેટલાકનું કહેવું એમ પણ છે કે રાવણ સાથેનાં યુદ્ધ બાદ જ્યારે ઘાયલ જટાયુને શોધતાં-શોધતાં શ્રી રામ અહીં આવી ચડ્યા ત્યારે તેમનાં મુખમાંથી ‘ઉઠ પક્ષી’ (લે પાક્ષી) જેવા શબ્દો સરી પડ્યા. મંદિરની અંદર ઘણી બધી કલાકૃતિઓ એવી છે જેને જોઇને પુરાતત્વશાસ્ત્રીઓ પણ અચંબિત થઈ ગયા હતાં! કેટલીક ઉત્કૃષ્ટ કૃતિઓને અહીં શબ્દોમાં વર્ણવવાનો પ્રયાસ કર્યો છે :
(1) લેપાક્ષી નંદી (નંદીની સૌથી વિશાળ પ્રતિમા)
લેપાક્ષી મંદિરથી થોડે જ દૂર એક મોટા પથ્થરમાંથી ઘડાયેલી નંદીની વિશાળ પ્રતિમા છે, જે લગભગ 8.23 મીટર (27 ફૂટ) લાંબી અને 4.5 મીટર (15 ફૂટ) ઉંચી છે. વિશાળ પથ્થરમાંથી નકશીકામ થયેલી સૌથી મોટી મૂર્તિની યાદીમાં ગોમતેશ્વર પ્રતિમા બાદ અહીંની નંદી પ્રતિમા મોખરાનું સ્થાન ધરાવે છે.
- Advertisement -
(2) નાગ લિંગ પ્રતિમા
વીરભદ્ર મંદિરના પરિસરમાં એક મોટા પથ્થરમાંથી કોતરવામાં આવેલી વિશાળ નાગ લિંગ પ્રતિમા બિરાજમાન છે. માનવામાં આવે છે કે તેનું કદ બાકીની તમામ નાગ લિંગ પ્રતિમાઓ કરતાં સૌથી વધારે છે. કાળા રંગનાં ગ્રેનાઇટ પથ્થરનું શિવલિંગ અને તેની ઉપર સાત ફેણ બિછાવીને બેઠેલો નાગ પાષાણકળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય.
(3) રામ પદમ
લેપાક્ષી અને તેનાં પરિસરમાં નિર્મિત થયેલું વીરભદ્ર મંદિર ઘણા વણઉકેલ્યા રહસ્યોને પોતાની અંદર સંઘરીને બેઠું છે. અહીં ખૂબ જ વિશાળ કદના માનવીય પગલા મળી આવ્યા છે. અતિ દિવ્ય અને તેજોમય જણાતાં આ પગના પંજાના નિશાનને શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીરામના ચરણકમળ ગણાવે છે. અમુક ભક્તો તેને સીતા માતાનાં પગલા પણ માને છે! દર્શનાર્થે આવનાર દરેક ભક્ત અહીં પગે લાગી પોતપોતાની મનોકામના પૂરી કરવા પ્રાર્થના કરે છે.
(4) શાનદાર ભીંત ચિત્રો
મંદિરના પટાંગણમાં આવેલી દીવાલ પર ચીતરવામાં આવેલા ભીંત ચિત્રો પુરાણકાળની કેટલીક ખાસ પ્રથાઓ અને રીત-રસમ તરફ અંગુલિનિર્દેશ કરે છે. વિવિધ રંગોની મદદ વડે બનાવાયેલ આ તમામ ચિત્રો પથ્થરની દીવાલ પર શોભાયમાન છે.
(5) શિવકાળ દરમિયાનની થાળીનાં નિશાન
ગોળાકાર પ્લેટ જેવી દેખાતી થાળી વિશે અહીં બે માન્યતાઓ પ્રવર્તે છે. એક મસમોટા ગોળાકાર ફરતે છ-સાત નાના-નાના ગોળાકાર ધરાવતી પ્લેટ જેવી આ રચના શિવકાળ દરમિયાનની ભોજનમાં વપરાતી થાળી હોવાનું મનાય છે. ગામવાસી માને છે કે પહેલાનાં જમાનામાં પણ લોકો આ પ્રકારની થાળીમાં પોતાનું ભોજન આરોગતાં! અન્ય કેટલાકનું માનવું છે કે ભીંતચિત્રો દોરવા માટે ઉપયોગમાં લેવાયેલા રંગોને આવા ગોળાકાર પાત્રોમાં મિશ્રિત કરવામાં આવ્યા હોવા જોઈએ.
(6) ભગવાન ગણેશની મૂર્તિ
લેપાક્ષી મંદિરની સૌથી ખાસ બાબત એ છે કે અહીં મોટી ચટ્ટાનોની સંખ્યા ઘણી વધારે છે, જેથી તેમાંથી કોતરવામાં આવેલી પ્રતિમાઓની સંખ્યા પણ સ્વાભાવિક રીતે વધુ જ હોવાની! પટાંગણમાં આવેલી ગણેશ ભગવાનની મૂર્તિ પણ આવી એક મસમોટી શિલામાંથી કોતરવામાં આવી હોય તેવું જણાઈ આવે છે. તેની રક્ષા કરતાં બે વિશાળ સ્તંભ પરિસરની આગળની બાજુ છત્ર ઉભું કરે છે.
આ ઉપરાંત, છત વગરના વિશાળ મંડપ, મંદિરની છત પર ચીતરવામાં આવેલી આકર્ષક શિવ પેઇન્ટિંગ, ચૂનાનો પથ્થર (લાઇમસ્ટોનનો ઢગલો) વગેરે જેવી બનાવટ આજે પણ ઘણા પુરાતત્વશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય છે, પરંતુ શ્રદ્ધાળુઓ તેને ભગવાન રામની પ્રસાદી તરીકે પૂજી રહી છે.