9 દિવસથી હડતાળ પર ઉતરેલા કામદારોની માગણીઓ પર ધ્યાન આપવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં છેલ્લા નવ દિવસથી સફાઈ કામદારો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ ખડકાઈ ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજુલા શહેર કોંગ્રેસ સમિતિ સફાઈ કામદારોના સમર્થનમાં આવી છે અને આ મુદ્દાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પ્રાંત અધિકારી મેહુલ બરાસરાને આવેદનપત્ર સુપરત કર્યું છે.
- Advertisement -
રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે, સફાઈ કામદારો તેમની 15 દિવસની રોસ્ટર પ્રથા બંધ કરીને સંપૂર્ણ એક મહિનાની નોકરી આપવાની માંગ સાથે હડતાળ પર છે. 9 દિવસ વીતી ગયા હોવા છતાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા આ મુદ્દે કોઈ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો નથી, જેના કારણે કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું છે કે, સફાઈ કામદારોની હડતાળના કારણે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જે શહેરીજનોના આરોગ્ય પર ગંભીર અસર કરી શકે છે. તેમણે તાત્કાલિક ધોરણે સફાઈ કામદારોની માંગણીઓનો સ્વીકાર કરી હડતાળનો અંત લાવવા અને શહેરમાં સફાઈ કામગીરી ફરી શરૂ કરવા માટે પગલાં ભરવા વિનંતી કરી છે.
આ રજૂઆત વખતે અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.ડી. કાછડ, રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ ધાખડા, યુવક કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ મહિડા, કોંગ્રેસ અગ્રણી જગદીશભાઈ નાગર અને રસુલભાઈ દલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



