ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.15
રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ ખાતે શીપયાર્ડ કંપની આવેલ છે. આ કંપનીનું સૌપ્રથમ પીપાવાવ શીપયાર્ડ સંચાલિત હતું. ત્યારબાદ રિલાયન્સ એન્જિનિયરિંગ લિમીટેડ દ્વારા સદર કંપનીનું સંચાલન કરવામાં આવતું હતું. જેમાં કંપની દ્વારા નાદરી જાહેર કરવામાં આવતા સદર કંપનીનો કેસ એન.સી.એલ.ટી. કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતો. ત્યારબાદ સ્વાન જૂથ દ્વારા ખરીદવામાં આવેલ. આ શીપયાર્ડ 1 જાન્યુઆરીથી સ્વાન જૂથ દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. હાલ સ્વાન શીપયાર્ડ (જૂથ) દ્વારા જૂનાં કર્મચારીઓને અન્યાય કરતા હોયની ફરિયાદ સાથે સ્થાનિક કર્મચારીઓ દ્વારા રાજુલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવયું હતું.
- Advertisement -
જેમાં જણાવ્યુ કે, પીપાવાવ પોર્ટ ખાતે શીપયાર્ડ ની સ્થાપના સમયે અમો કર્મચારીઓનાં પરિવાર તથા સગાં સંબંધીઓએ કંપનીના વિકાસ હેતુ માટે જમીન આપવામાં આવેલ હતી. જેની સામે કંપની દ્વારા ખેડૂત પરિવાર અને સ્થાનિક ગ્રામજનોને કાયમી સળંગ નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવેલ હતી. અને તેના લેટરપેડ પણ અમોની પાસે ઉપલબ્ધ છે. પરંતુ હાલમાં જ શીપયાર્ડ સંચાલિત સ્વાન જૂથ દ્વારા અમો જૂનાં કર્મચારીઓને અન્યાય કરી રહી છે. અમોને પેટા કોન્ટ્રાકટમાં સમાવેશ કરવાની તજવીજ કરી રહી છે. જેના કારણે ભવિષ્યમાં અમોની રોજગારી પર ખતરો ઉભો થઈ શકે છે. તેમજ વર્ષોથી કંપનીનાં કર્મચારીઓ તરીકે જે લાભો મળતા હતા તે લાભો પેટા કોન્ટ્રાકટમાં કર્મચારીઓને આપવામાં આવતાં નથી. સાથોસાથ પેટા કોન્ટ્રાકટમાં કર્મચારીઓને ગમે ત્યારે નોકરી માંથી કાઢી શકે છે.
આ કર્મચારીઓ 15-20 વર્ષ થી કંપનીમાં નોકરી કરી રહ્યા છે છતાંપણ કાયમી નોકરીયાત તરીકેના હક્ક અને લાભો આપવામાં આવતા નથી. હાલની સ્વાન શીપયાર્ડ કંપની દ્વારા કર્મચારીઓનું શોષણ કરી નોકરી માંથી છૂટા કરવાની તજવીજ થઈ રહી હોય જેની સામે સ્થાનિક કર્મચારીએ ન્યાયની માંગણી સાથે પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.