અમરોલી પોલીસે ડ્રગ્સ પકડવામાં મેળવી મોટી સફળતા
ખાસ-ખબર સંવાદદાતા
નશાખોરીની સામે સુરત પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. મુંબઈથી સુરતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ મામલે સુરત પોલીસે ડ્રગ્સ પેડલર પર વધુ એક વાર સકંજો કસ્યો છે. અમરોલી પોલીસે ગત મોડી રાત્રે સુરત શહેરના કોસાડ આવાસ માંથી અંદાજે બે કરોડથી વધુનો એમડી ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસની રેડ દરમિયાન આરોપીની દુકાન અને ગાડીમાંથી ખઉ ડ્રગ્સ મળી આવ્યું હતું.
- Advertisement -
સુરત શહેર પોલીસે ગુનાખોરી કરતા અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઇસમો વિરુદ્ધ કડકાઇથી કાર્યવાહી કરવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત સુરત પોલીસના અમરોલી પોલીસ સ્ટેશનના માણસોને મળેલી બાતમીના આધારે, કોસાડ આવાસ માં આવેલ શોપિંગ સેન્ટરની દુકાન નંબર 29 માં ડીસીપી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેડ કરવામાં આવી હતી. જેમાં આ દુકાનમાં તેમજ પાર્કિંગમાં રાખેલી ઇકો કારમાંથી 2.176 કિલોગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની સાથે ડ્રગ્સ વેચાણના બે લાખ 68 હજાર રૂપિયા રોકડા તેમજ બે મોબાઈલ મળી આવ્યા હતા, પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ એમડી ડ્રગ્સની કિંમત બે કરોડ 17 લાખ રૂપિયા જેટલી છે.
પોલીસના હાથે ઝડપાયેલા આરોપી મુબારક બાંડીયા જે મૂળ ભરૂચના જંબુસરનો રહેવાસી છે. જે અગાઉ અમરોલી પોલીસના હાથે દારૂના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. મુબારક બાંડીયાની પૂછપરછ કરતા આ ડ્રગ તેને મુંબઈ ખાતે રહેતા શર્મા નામના વ્યક્તિએ મોકલ્યું હતું. સુરત પોલીસે હાલ આ શર્મા નામક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં પકડાયેલા આરોપી મુબારકની આ કેસમાં સંડોવણી જોતા તેનો ભાઈ મુસ્તાક ઉર્ફે એસટીડી પટેલ જે પણ અગાઉ એનડીપીએસના કેસમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. અને હાલ સુરતની લાજપોર જેલ ખાતે બંધ છે. મુબારકનો ભાઈ જેલમાં જવાના કારણે તેનો ડ્રગનો ધંધો તે પોતે સાચવતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
- Advertisement -
અમરોલી પોલીસ ટીમને પોલીસ કમિશનરે આપ્યું વિશેષ ઇનામ
સુરતની અમરોલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ મોટા એમડી ડ્રગ્સના જથ્થા અને કારોબારીને લઈ સુરત પોલીસ કમિશનરે પણ આ કામગીરીને વધાવી હતી. જેને લઇ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા અમરોલી પોલીસની ટીમ માટે વિશેષ ઇનામની જાહેરાત કરી હતી.પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સની માહિતી આપનાર પોલીસ કર્મચારીને 25000 રોકડ ઇનામ જાહેરાત કરીને તેમના હસ્તે આપ્યું હતું.તો આ સાથે પોલીસ કર્મી માહિતી લાવ્યા બાદ સફળતાપૂર્વક સમગ્ર ઓપરેશનને પાર પાડનાર અમરોલી પોલીસ ટીમને પોલીસ કમિશનર દ્વારા 50,000 રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.
આમ સુરતમાં ડ્રગ્સ સામે પોલીસની પણ ગંભીરતા બની રહે અને તેમને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.