માંડલમાં મોતિયાના ઓપરેશન પછી 17ને ઝાંખપ મામલે પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા કોર્ટનો સરકારને આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય જઙને નોટિસ પાઠવી છે. જજ એ.એસ. સુપેહિયા અને જજ વિમલ વ્યાસની બેન્ચ ન્યૂઝ સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. 7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે.
- Advertisement -
એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આજે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સુપેહિયા સાહેબ લીડ કરે છે તેમાં એક સુઓમોટો પિટિશન દાખલ કરી છે. ન્યૂઝ પેપરની અંદર એક આર્ટિકલ આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, માંડલની એક ટ્રસ્ટની હોસ્પિટલમાં જ્યારે પેશન્ટના ઓપરેશન કરવામાં આવ્યા તેમાં ઘણા બધા લોકોના આંખની દૃષ્ટિ ગઈ એવી સ્થિતિ સર્જાઇ છે. આથી કોર્ટે આમાં સંજ્ઞાન લીધું કે, ખરેખર શું પરિસ્થિતિ થઈ છે? શું ઇન્સ્ટ્રુમેન્ટમાં ખામી હતી? દવા હલકી ગુણવત્તાની હતી કે ક્યાંય સેવામાં ખામી હતી? આના માટેના હેલ્થ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવને અને જે-તે એરિયાના એસપીને એક નોટિસ કરી એમની પાસેથી પ્રાથમિક રિપોર્ટ માગવામાં આવ્યો છે. શેના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે તેવું રિપોર્ટમાં માગવામાં આવ્યું છે. આથી કોર્ટે આજે આ બાબતે સુઓમોટો લીધો છે.
કુલ 29 લોકોમાંથી 9 લોકો અમદાવાદ જિલ્લાના, 12 સુરેન્દ્રનગર જિલ્લાના અને 8 પાટણ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક દૃષ્ટિએ ઓપરેશન બાદ આંખોમાં નાખવાનાં ટીપાંથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. અસારવા સિવિલમાં દાખલ પાંચ પૈકી એક પણ દર્દી દૃષ્ટિહિન થયો નથી.
9 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ માંડલ પહોંચી
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ સાથે મીડિયાએ કરેલી વાતચીત પ્રમાણે ઘટનાની ખબર પડતાં આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામકના અધ્યક્ષ સ્થાને 09 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ માંડલ ખાતે પહોંચી હતી. સૌપ્રથમ રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં તમામ ઓપરેશન સ્થગિત કરી નાખવામાં આવ્યાં છે. તપાસમાં સામે આવ્યું છે કે એક જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં કુલ 74 વ્યક્તિઓએ આંખનું ઓપરેશન કરાવ્યું હતું. તેમનો પણ સંપર્ક સાધવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.