ચીફ લાઈબ્રેરિયન નરેન્દ્ર આરદેશણાએ હળાહળ જ્ઞાતિવાદ આચરીને સુનિલની ભરતી કરી છે
નરેન્દ્ર આરદેશણાની મદદથી ડેપ્યુટી લાઈબ્રેરિયન તરીકે ઘુસાડેલા સુનિલ દેત્રોજા પોતે પુસ્તક અને ભાષાનું સામાન્ય જ્ઞાન ધરાવતા નથી માટે બીજા વાંચકો પ્રત્યે તેઓ તિરસ્કાર રાખી જરૂરી બાબતો નજરઅંદાજ કર્યા કરે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજથી છ વર્ષ પૂર્વે રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર મનપા સંચાલિત શ્રી બાબુભાઈ વૈધ પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી હતી. આ પુસ્તકાલયના ઉદ્દઘાટન પ્રસંગે તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ લાઈબ્રેરી એક ઈન્ટરનેશનલ કક્ષાની ભેટ છે. જોકે અફસોસ સાથે દુ:ખની વાત છે કે, મનપાએ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલી આ લાઈબ્રેરીમાં અનુભવી અને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતી એકપણ વ્યક્તિ જોવા મળતી નથી, જેથી અહીં આવતા પ્રબુદ્ધ વાચકોમાં કચવાટ અનુભવાઈ છે.
જે પુસ્તકાલયનું નામ બાબુભાઈ વૈધ પરથી રાખવામાં આવ્યું છે તેઓ એક પ્રતિષ્ઠિત ધારાસભ્યની સાથોસાથ એક પ્રખર વાંચક અને સારા લેખક પણ હતા. તેમણે “વિશ્ર્વામિત્ર” જેવી ગુજરાતી ભાષાની ઉત્તમોત્તમ નવલકથા જેવી ભેટ સમાજને આપી છે. હવે કમનસીબે તેમના નામ ઉપરથી રાખવામાં આવેલી લાઈબ્રેરીમાં અભણ કેટેગરીમાં આવતા કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. આમ, સ્વ. વિજયભાઈ રૂપાણીએ જે પુસ્તકાલયને આંતરરાષ્ટ્રીય કક્ષાના દરજ્જોની વાત કરી તે લાઇબ્રેરીની અવદશા પાછળ જવાબદાર એકમાત્ર નરેન્દ્ર આરદેશણાને ગણવામાં આવી રહ્યા છે.
હળાહળ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા ચીફ લાઈબ્રેરિયન નરેન્દ્ર આરદેશણાએ અંગ્રેજી ભાષા કે પુસ્તકોનું કોઈ જ્ઞાન ન ધરાવતા સુનિલ દેત્રોજા પાસે આ લાઇબ્રેરી રેઢી મૂકી દીધી છે. નરેન્દ્ર આરદેશણાએ રોજમદારમાંથી ડેપ્યુટી લાઈબ્રેરિયન તરીકે ઘુસાડેલા સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી છે. મનપાના અમુક અધિકારીઓ આ વાત બરાબર જાણે પણ છે.
રાજકોટની જનતા જેની પાસે અતૂટ અપેક્ષાઓ રાખે છે તેવા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડો. માધવ દવે એક સારા વાંચક અને પુસ્તકપ્રેમી નાગરિક છે. તેવી જ રીતે ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, મનપા દંડક મનીષભાઈ રાડીયા જેવા ભાજપના સાહિત્યપ્રેમી નેતાઓ આ લાઈબ્રેરીમાં ચાલતી લાલિયાવાડી માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. જ્યારે કોર્પોરેટર દેવાંગ માંકડે તો જનરલ બોર્ડમાં એવો અવાજ ઉઠાવ્યો હતો કે, મનપાની લાઈબ્રેરી રોટરી કલબ જેવી સામાજિક સંસ્થાઓને સોંપવામાં આવે તો રાજકોટના પુસ્તકપ્રેમીઓ માટે સારી વ્યવસ્થા થશે.
નરેન્દ્ર આરદેશણાની મદદથી ડેપ્યુટી લાઈબ્રેરિયન તરીકે ઘુસાડેલા સુનિલ દેત્રોજા પોતે પુસ્તક અને ભાષાનું સામાન્ય જ્ઞાન ધરાવતા નથી માટે બીજા વાંચકો પ્રત્યે તેઓ તિરસ્કાર રાખી જરૂરી બાબતો નજરઅંદાજ કર્યા કરે છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર પોતે અંગત રસ લઈને તાત્કાલિક અસરથી લાઈબ્રેરીના બંધ પડેલા ઓડિટરીયમ સહિતની સુવિધા ચાલુ કરાવી અનુભવી અને સાક્ષર સ્ટાફને શ્રી બાબુભાઈ વૈદ્ય પુસ્તકાલયનું સુકાન સોંપે એ જરૂરી છે.
આરદેશણા ગાંધીનગર જવાના બહાને કિરીટ પરમારને મળી સદાદિયાને પરત લેવાની સોપારી લઈ આવ્યા?
શિક્ષણ સમિતિના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ હાલમાં જ ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણા ક્લાર્ક બિમલ ખંભાયતા સાથે ગાંધીનગર જવાના બહાને પૂર્વ શાસનાધિકારી કિરીટ પરમારને મળી આવ્યા છે. દિનેશ સદાદિયા એ કિરીટ પરમાર અને નરેન્દ્ર આરદેશણાના નિકટ હોય તેને ફરી ફરજ પર લેવા માટે તખ્તો ગોઠવાતો હોય એવું ચર્ચાઈ છે અને આ આખાય ષડયંત્ર પાછળ પુજારાનું પીઠબળ હોવાનું કહેવાઈ છે.
- Advertisement -
વિક્રમ પુજારાએ સાંસ્કૃતિક કાર્યક્રમના નામે ટેન્ડર વિના 25થી 30 લાખનો ધુમાડો કરી નાંખ્યો
રાજકોટ નગર શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા દ્રારા વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા સમયે પોતાના અંગત સ્વાર્થ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની સંખ્યા ઓછી અને ચેરમેન વિક્રમ પુજારાના અંગત મહેમાનોની સંખ્યા વધારે જોવા મળી હતી. વળી, આ કાર્યક્રમ માટે 25થી 30 લાખ જેટલો જંગી ખર્ચ ટેન્ડર વગર કરીને લાગતાવળગતાઓને ખટાવવાનો ખેલ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ છે. આ કાર્યક્રમ પાછળ વિક્રમ પુજરાએ નાનામોટા કામ આપીને કમિશન કટકટાવ્યું હોવાની ચર્ચા સમિતિના સભ્યોમાં ચાલી રહી છે. કેમ કે, આ ખર્ચની વિગત સમિતિના સભ્યોને આપ્યા વગર બારોબાર દબાણ લાવી મંજૂર કરાવી લેવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે, આ આર્થિક વ્યવહારો માટે ઊંડી તપાસ થશે કે ભીનું સંકેલવાની પ્રથા યથાવત રહેશે.