ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાતા ’નેશનલ સ્પોર્ટસ ડે’ની જૂનાગઢમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ’સન્ડે ઓન સાયકલ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી ઝાંસીની રાણી સર્કલથી શરૂ થઈને મોતીબાગ સર્કલથી પરત સરદારબાગ સુધી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સાયકલ સવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, મનપા કમિશનર તેજસ પરમાર અને એસપી સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. આ અધિકારીઓએ સાયકલ ચલાવીને યુવાનો, બાળકો અને નાગરિકોને રમતગમતને જીવનનો અભિન્ન અંગ બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણીમાં નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. ત્રણ દિવસ ચાલેલા આ રમતોત્સવમાં વિવિધ શાળાઓ, કોલેજો, સંસ્થાઓ અને 500થી વધુ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. આ ત્રિદિવસીય રમતોત્સવમાં દોડ, ફૂટબોલ, રસ્સાખેંચ, સાયકલ રેલી, ગોળા ફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં ડે. મ્યુનિસિપલ કમિશ્નર જાડેજા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, શિક્ષણાધિકારી સુશ્રી લતાબેન ઉપાધ્યાય, ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સાયકલિસ્ટો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.