ચહેરા પરના ડાઘ જોઈને જાહેર પરિવહનમાં તેની બાજુમાં બેસવું લોકોને ગમતું નહોતું.
માત્ર ૨૩ વર્ષની ઉંમરે ચહેરા સહિત શરીરનાં વિવિધ અંગ પર સફેદ ડાઘ પડવાની એક પ્રકારની બીમારીને કારણે રૉજર મૉન્ટે ખૂબ અસહજતા અનુભવતો હતો. ચામડી પર આ પ્રકારે પડેલા ડાઘથી તે પરેશાન હતો. શરૂઆતના દિવસોમાં તેના ચહેરા પરના ડાઘ જોઈને જાહેર પરિવહનમાં તેની બાજુમાં બેસવું લોકોને ગમતું નહોતું. તેમના આવા વ્યવહારથી રૉજર મૉન્ટે એટલો હતાશ થઈ ગયો હતો કે તે પોતાના ચહેરાને અરીસામાં જોવાનું પણ પસંદ નહોતો કરતો તેમ જ મેકઅપ વિના ઘરની બહાર નીકળવાનું પસંદ નહોતો કરતો. આ ઉપરાંત બીચ પર કે જિમમાં જ્યાં પરસેવો થાય એવાં સ્થળોએ જવાનું ટાળતો હતો. આવું તો લગભગ ૧૦ વર્ષ ચાલ્યું.
જોકે ૨૦૧૬માં રૉજરને નવા મિત્રો મળ્યા, જેમણે તેના ચહેરાના ડાઘમાં કંઈક નવું અને સુંદર ધારીને તેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા, જેને લોકોએ ખૂબ વખાણ્યા. તેના જેવી જ તકલીફ ધરાવતા અનેક લોકોએ તેની પાસેથી પ્રેરણા લઈ પોતાની હતાશા દૂર કરી. માત્ર ફોટોથી લોકોને પ્રેરણા મળે છે તો કૅમેરાનો ડર છોડીને કૅમેરાનો સામનો કરવાનો વિચાર કરીને રૉજરે આ દિશામાં પગલાં આગળ ધપાવ્યાં અને આજે તે એક સફળ મૉડલ છે.
- Advertisement -