રાજકોટ જિલ્લા ૧૦૮ ટીમની પ્રશંસનીય કામગીરી
રાજકોટ – જન્માષ્ટમીના પવિત્ર તહેવારોમાં લોકો ઉત્સવ મનાવવામાં મગ્ન હોઈ છે તે સમયે આરોગ્યકર્મીઓ તેમના ઘર-પરિવારથી દૂર લોકોને જીવરક્ષા કાજે સંજીવનીરૂપે ફરજનિષ્ઠ રહેતા હોય છે. ખાસ કરીને ઇમર્જન્સીમાં લોકોની મદદે તાત્કાલિક સારવાર પુરી પાડતી ૧૦૮ની ટીમ દ્વારા આ તહેવારોમાં બે પ્રસૂતા મહિલાઓની ઇમરજન્સી વાનમાં જ ડીલેવરી કરાવી માતા અને બાળકોને નવજીવન બક્ષ્યું છે.
રાજકોટ જિલ્લામાં બે અલગ અલગ કિસ્સામાં સાતમના પવિત્ર દિવસે શાપરના દયાબેન સોલંકી તેમજ ઉપલેટાના અરણી ગામના ગીતાબેન પ્રવિણભાઈ વાખલાને ઇમર્જન્સીમાં ઈ.એમ.ટી.ના કર્મીઓએ ઓનલાઇન ડોક્ટર્સ સાથે કન્સલ્ટ કરી સફળ પ્રસુતિ કરાવી હોસ્પિટલ ખાતે પહોંચાડવાની ઉમદા કામગીરી નિભાવી છે.
- Advertisement -
પ્રથમ કિસ્સામાં રાજકોટના શાપરના રહેવાસી દયાબેન સોલંકીને પ્રસુતિની પીડા થતા રાત્રે સાડા ત્રણ વાગ્યે ૧૦૮ માં કોલ કરતા નજીકની એમ્બ્યુલન્સ તુરંતજ દર્દી સુધી પહોંચીને દર્દીને એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ સિવિલ લઇ જતા દયાબેનને અચાનક પ્રસુતિ પીડાનો અસહય દુખાવો થતા ઈ.એમ.ટી. પરમાર પિયુષભાઈ દ્વારા તપાસતાં દર્દીની ગંભીર પરિસ્થિતિ જણાતા ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવી પડશે તેમ લાગતા પિયુષ ભાઈએ ઓનલાઇન ડોક્ટરની મદદ લઇ સમયસર ડિલિવરી કરાવી માતા અને બાળકને સિવીલ હોસ્પિટલ, રાજકોટ ખાતે પહોંચાડ્યા હતાં.
બીજા કિસ્સામાં ઉપલેટા તાલુકાના અરણી ગામે વાડી વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતી મહિલાને રાતના સમયે પ્રસૂતિની પીડા ઉપડતા તાત્કાલિક ૧૦૮ ને ફોન કર્યો હતો. થોડી જ વાર માં ૧૦૮ એમ્બ્યુલન્સ મહિલા સુધી પહોંચી વધુ સારવાર માટે ભાયાવદર હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તા માં ઈ.એમ.ટી. નયનભાઈ સોલંકી તથા પાયલોટ અર્જુનસિંહને એવું જણાયું કે ડીલેવરી એમ્બ્યુલન્સમાં જ કરાવી પડશે. ત્યારે અરણી અને ભાયાવદરની વચ્ચે નયનભાઈએ ઓનલાઇન ડોક્ટરની મદદ લઈ એમ્બ્યુલન્સમાં જ સફળ ડીલેવરી કરાવી તેમને ભાયાવદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
રાજ્ય સરકારની વિશિષ્ટ આરોગ્યપ્રદ સેવાઓ પૈકી ૧૦૮ની ટીમ દ્વારા અનેક કિસ્સાઓમાં પ્રસૂતાઓ હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ દર્દીની પરિસ્થિતિનો તાગ મેળવી ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા તેઓની ડીલેવરી ૧૦૮ વાનમાં જ કરાવી બાળક તેમજ માતાને અમૂલ્ય નવજીવનની ભેટ પુરી પાડી રહ્યા છે.